શહેર અને જિલ્લામાં શિક્ષક સજ્જતા કસોટી યોજાઇ: શિક્ષકોના બે સંઘ વચ્ચે ચાલતો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો, રૂા. 4200 ગ્રેડ પે કારણભૂત
ગઈકાલે લેવાયેલી શિક્ષક સજજતા કસોટીમાં શહેરમાં શિક્ષણ સમિતિ હસ્તકની શાળાના તમામ 402 શિક્ષકો ગેરહાજર રહેતા અનેક સવાલ ઉઠયા છે.જિલ્લા પંચાયતની શાળાના 3936 માંથી 2996 શિક્ષકો હાજર રહ્યા હતાં. શિક્ષકોના બે સંઘ વચ્ચે ચાલતા વિવાદ અને રૂ.4200 ગ્રેડ પે ના પ્રશ્નના કારણે સમિતિની શાળાના શિક્ષકોએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો.
રાજયના પ્રાથમિક શાળાના શિક્ષકો માટે રાજય પરીક્ષા બોર્ડ દ્રારા મંગળવારે શિક્ષક સજજતા કસોટી લેવામાં આવી હતી.જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના તમામ 402 શિક્ષકો ગેરહાજર રહ્યા હતાં. જયારે જિલ્લા પંચાયત હસ્તકની શાળાના કુલ નોંધાયેલા 3936 માંથી 2996 શિક્ષકોએ કસોટી આપી હતી.જયારે 940 શિક્ષકો ગેરહાજર રહ્યાં હતાં. ગ્રામ્ય વિસ્તારના શિક્ષકોને રૂ.4200 નો ગ્રેડ પે મળી ચૂકયો છે. જયારે શહેરી વિસ્તારની સમિતિની શાળાને આ ગ્રેડ પે મળ્યો નથી.
ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના શિક્ષકોના સંઘે આ કસોટીની તરફેણ કરી છે. જયારે મનપા વિસ્તારના શિક્ષકોના સંગઠને આ કસોટીનો વિરોધ કર્યો હતો. રાજયની સાથે ગઈકાલે જામનગરમાં યોજાયેલી શિક્ષક સજજતા કસોટીમાં શિક્ષકોના બે સંઘ વચ્ચે ચાલતા વિવાદ અને જિલ્લાના શિક્ષકોને રૂ.4200 ગ્રેડ પે મળ્યું છે, જયારે શિક્ષણ સમિતિના શિક્ષકોને હજુ સુધી આ ગ્રેડ પે નો લાભ મળ્યો નથી. જેના કારણે શિક્ષક સજજતા કસોટીમાં શિક્ષણ સમિતિની શાળાના એકપણ શિક્ષક હાજર રહ્યા ન હતાં.
ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાન્ત બી.ખાખરિયાએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. આ રાજીનામું અંગત કારણોસર આપ્યાનું તેઓએ જણાવ્યું છે. જો કે, સંઘની કારોબારીમાં આ રાજીનામું મંજૂર થશે કે કેમ તે જોવાનું રહ્યું.