ગઈકાલે સીઆરપીએફના જવાનોના કાફલા પર થયેલા આત્મઘાતી આતંકી હુમલાના પગલે ગુજરાત એલર્ટનો આદેશ થતા જામનગરના તમામ સંવેદનશીલ સ્થળો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ, એસઆરપી, મેરીટાઈમ બોર્ડ, મરીન પોલીસ સહિતની એજન્સીઓ એકજૂટ થઈ તમામ બારીકીઓને ચકાસી રહી છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામાં ગઈકાલે સીઆરપીએફના જવાનોને લઈ જતાં ટ્રક સાથે વિસ્ફોટક ભરેલી મોટર અથડાવી જૈશ-એ-મહંમદના આતંકીઓએ કરેલા આત્મઘાતી હુમલામાં ચુમાલીસ જવાન શહીદ થયા છે. અગાઉથી ઘાત લગાવીને બેસેલા આતંકીઓએ પોતાની મોટર અથડાવી ત્યારે થયેલા વિસ્ફોટના અવાજ દસ કિ.મી. સુધી પ્રસર્યા હતા, પરંતુ તેના પ્રત્યાઘાતો આખા દેશ પર પડયા છે.
ગઈકાલના આતંકી હુમલા પછી તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ રહેવા અપાયેલી સૂચનાના પગલે ગુજરાતમાં એલર્ટ જાહેર થયું છે. રાજ્યના તમામ મુખ્ય માર્ગાે પર યુદ્ધના ધોરણે નાકાબંધી કરી લેવામાં આવી હતી તે દરમ્યાન જામનગર શહેર સાથે અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સંકળાયેલા માર્ગાે પર પણ ઘનિષ્ઠ પોલીસ ચેકીંગ શરૃ થયું છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના દરિયાકાંઠાઓની સલામતી પણ સઘન બનાવાઈ છે. જામનગરના બેડી બંદર-રોઝી બંદર પર મરીન પોલીસ સાથે એસઆરપી તેમજ એસઓજી સહિતની એજન્સીઓ સતર્ક નજર રાખીને તત્પર બેઠી છે. જ્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓ પણ તૈનાત થઈ ગયા છે. બંદર પર આવતા-જતા તમામ વાહનોના એન્ટ્રી પાસ ચકાસવા ઉપરાંત જે વ્યક્તિઓ પાસે એન્ટ્રી પાસ છે તેઓને જ અંદર જવા દેવાની પરવાનગી આપવા ઉપરાંતની તકેદારીઓ રાખવામાં આવી રહી છે.
તે ઉપરાંત જામનગર શહેર સાથે જોડાયેલા ધોરીમાર્ગાે પૈકીના ખીજડિયા બાયપાસ, ઠેબા ચોકડી, લાલપુર બાયપાસ, ખંભાળિયા બાયપાસ વગેરે સ્થળો પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યાંથી પસાર થતા તમામ દ્વિ-ચક્રીય, ચાર ચક્રીય અને ભારે વાહનોને ઝીણવટભરી રીતે ચકાસવામાં આવી રહ્યા છે તે ઉપરાંત જી.જી. હોસ્પિટલ, રેલવે સ્ટેશન, એસ.ટી. ડેપો વગેરે સંવેદનશીલ સ્થળો કે જ્યાં ચોવીસેય કલાક માણસોની અવરજવર રહે છે તેના પર પોલીસે ચાંપતી નજર ગોઠવી છે.