‘અંગદાન મહાદાન’
એરફોર્સે અડધી રાત્રે પોતાનું એર ફીલ્ડ ખોલી આપીને ખાનગી પ્લેનને અમદાવાદ સુધી ઉડવાની મંજૂરી આપી માનવ ધર્મ નિભાવ્યો
દેશની સુરક્ષા કરતું ભારતીય સૈન્ય કુદરતી આફતો વખતે માનવ જીવન બચાવવાનું કાર્ય પણ સફળતાપૂર્વક કરતું રહે છે. સાથે સાથે સમયાંતરે માનવ જીવન બચાવવા સેવાઓ પણ કરતું રહે છે. આવું જ એક સેવાકાર્ય જામનગર એરફોર્સે કર્યું છે. જેમાં કડક નિયમો માનતા એરફોર્સ ટ્રાન્સ પ્લાન્ટ માટે માનવ ઓર્ગન મોકલવા અડધી રાત્રે પોતાના એરફીલ્ડને ખોલી આપીને ખાનગી પ્લેનને અમદાવાદ ઉડવાની મંજૂરી આપી હતી.
સુરતના ફલીયા પરિવારનો એક ને એક દીકરો અને બે બહેનો વચ્ચેનો એક જ ભાઈ એવા નીરજ નું સુરતમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેને સારવાર માટે જામનગરની ગુરુગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં જીવન અને મોત વચ્ચે લડાઈ કરતા નીરજની જીવન ખુબ જોખમમાં છે તેવું ડોકટરે પરિવારને જણાવ્યું હતું અને અંતે નીરજનું મૃત્યુ થયું માતાપિતાએ નીરજના મૃત્યુનો શોક એકબાજુ મૂકી પરિવારે નીરજના હર્દય, કીડની અને આંખનું અંગ દાન કરવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો.
પરિવારજનો દ્વારા આ અંગે ડોક્ટરને જાણ કરતા જામનગરની સિવિલ હોસ્પિટલની ડોકટરની ટીમ દ્વારા અમદાવાદ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ટીમ,કીડની ટ્રાન્સપ્લાન્ટ ટીમ, અને લીવર ટ્રાન્સપ્લાન્ટ ટીમ ને જાણ કરવામાં આવી હતી. આ તમામ ટીમના આશરે પચાસ થી વધુ ડોકટરો ની બે થી ત્રણ ટીમ મોડી રાત્રે જામનગર આવી પહોંચી હતી. નીરજના ઓપરેશનની સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આશરે બે થી ત્રણ કલાકના સફળ ઓપરેશન બાદ નીરજના હાર્ટ, કીડની અને લીવરને જામનગરના એસપી અને કલેકટર દ્વારા ગ્રીન કોરીડોર ની સુવિધા અપાતા હોસ્પિટલ થી જામનગર એરપોર્ટ અને ત્યાંથી હવાઈમાર્ગે અમદાવાદ લઇ જવામાં આવ્યું હતું. જ્યાં અમદાવાદમાં હાર્ટ માટેનું પેશન્ટ તૈયાર જ હતું. આ કાર્યવાહી કરતા પહેલા નીરજ અને તે પેશન્ટના ટીસ્યુ પણ મેચ કરવામાં આવ્યા હતા.
આ અંગે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના કોઓર્ડીનેટર દ્વારા વધુ માં જણાવવામાં આવ્યું હતું કે રાજકોટમાં ઓર્ગન ડોનેટ લગભગ ૬૫ જેટલા થયા છે. તે ફક્ત કીડની અને લીવર ના થયા છે. પણ હાર્ટનું ડોનેશન સૌરાષ્ટ્રમાં પહેલી વખત જામનગરમાં નીરજ દ્વારા કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકો બ્લડડોનેશન કેમ્પ તેમજ આંખ ડોનેશન કરે છે. પણ હજુ લોકોમાં ઓર્ગન ડોનેટ અંગે ની જાગૃતતા આવી નથી માટે ઓર્ગન ડોનેટ માટે લોકોએ જાગૃત થવું જરૂરી છે.
સુરત ના નીરજ ફલીયા નું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હોય પણ તેના પરિવારજનો ના કારણે તે બીજા પાંચ વ્યક્તિ ના હદય, કીડની અને આંખ નું દાન કરી હંમેશા માટે અમર થઇ ગયા અને તે લોકો માં નીરજ હંમેશા મરી ને પણ જીવિત રહેશે.
આ અંગે એરફોર્સના સાઉથ વેર્સ્ટન એર કમાન્ડના કમાન્ડીંગ ઈન ચીફ એર માર્શલ એચ.એસ.અરોરાએ જણાવ્યું હતું કે, રાજય સરકારની વિનંતીથી ગુરૂવાર મોડીરાત્રે જામનગર એરફોર્સના એર ફિલ્ડને સાત ડોકટરોને ખાનગી પ્લેનમાં અમદાવાદ લઈ જવા માટેની મંજૂરી આપવામાં આવી હતી.