Jamnagar: હાપા યાર્ડમાં ચાઇનાથી આયાત થતા લસણના કારણે સ્થાનિક ખેડૂતો અને વેપારીઓની આજીવિકા પર પડેલી અસરને પગલે વિશાળ આંદોલન સર્જાયું છે. સ્થાનિક બજારમાં ચાઇના લસણના પ્રવેશથી ભાવમાં ભારે ઘટાડો થતાં ખેડૂતોને પોતાના ઉત્પાદન માટે યોગ્ય ભાવ ન મળતાં આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમસ્યા સામે હાપા યાર્ડમાં એકઠા થયેલા વેપારીઓએ ચાઇના લસણનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તેમણે સૂત્રોચ્ચાર કરીને ચાઇના લસણને ભારતમાં પ્રવેશવાથી રોકવાની માંગ કરી છે. વેપારીઓનું માનવું છે કે ચાઇનાથી આવતું લસણ ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવે છે અને તેનાથી સ્થાનિક ઉત્પાદકોને ભારે નુકસાન થાય છે.
આ આંદોલન માત્ર હાપા યાર્ડ સુધી મર્યાદિત ન રહી પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ખેડૂતો અને વેપારીઓ એક થઈને સરકારને ચાઇના લસણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ. આ આંદોલનથી સરકારનું ધ્યાન આ સમસ્યા તરફ ખેંચાયું છે. સરકારે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. સરકારી અધિકારીઓએ હાપા યાર્ડની મુલાકાત લઈને વેપારીઓ અને ખેડૂતો સાથે ચર્ચા કરી છે.
સાગર સંઘાણી