જામજોધપુરમાં વ્યાજના ચક્રવ્યુમાં ફસાઈ જતા કરી હિજરત: જામનગરમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી દાગીના પડાવી લીધા
જામનગર પંથકમાં વ્યાંજકવાદને નાથવા માટે પોલીસે કમરકસી છે ત્યારે વધુ ૧૨ વ્યાજખોરો સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. જામજોધપુરમાં વ્યાજના ચક્રવ્યુમાં ફસાયેલા પ્રૌઢને હિજરત કરવાનો વારો આવ્યો હતો. જ્યારે જામનગરમાં સામાન્ય રકમની ઉઘરાણી મામલે સોનાના દાગીના પડાવી લીધાનું ફરિયાદમાં નોંધાયું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ લાલપુરના વતની પંકજકુમાર કાંતિલાલ મેસાવાણીયા નામના પ્રૌઢે જામજોધપુરના રશ્મિબેન મનસુખ ખાંટ, ભાવેશ મગન ચનિયારા, અમિત ચંદુલાલ ફળદુ, જીજ્ઞેશ ભાણવડિયા અને વિજય શિલુ પાસેથી પુત્રની સારવાર અને વેપાર માટે પૈસા વ્યાજે લીધા હતા. જેના જવાબમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી ફરિયાદીની દુકાન પડાવી લીધી હતી. જેથી આખરે પ્રૌઢને ગામ છોડવાનો વારો આવ્યો હતો. પ્રૌઢે જામજોધપુર પોલીસ મથકમાં મહિલા સહિત પાચ સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથધરી છે.
તો અન્ય ફરિયાદમાં મિનરલ વોટરના વેપારી સુમિતભાઈ જેરામભાઈ ચાંદ્રા નામના ૩૫ વર્ષના યુવાને સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ધર્મેન્દ્રસિંહ માનભા જાડેજા, પ્રશાંત દુર્લભ વાયા અને જીજ્ઞેશ ચાવડા પાસેથી એક ટકાના દરે રૂ.૧.૨૦ લાખ વ્યાજે લીધા હતા. જેના જવાબમાં ફરિયાદીએ પોતાના સોનાના દાગીના ગીરવે મૂક્યા હતા. ફરિયાદીએ ચુકવણી કરી આપ્યા છતાં પણ આરોપીઓએ દાગીના પડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
તો વધુ એક ફરિયાદમાં સિટી એ પોલીસ મથકમાં સમીર સકિલભાઈ ચૌહાણ નામના ૨૪ વર્ષીય યુવાને શાહરૂખ ફારુક ખતાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ આરોપી પાસેથી રૂ.૨૦ હજાર ૨૦ ટકાના દરે વ્યાજે લીધા બાદ રૂ.૪૫,૦૦૦ની પઠાણી ઉઘરાણી કરતા હોવાનુ જાણવા મળ્યું છે.
જ્યારે ચોથી ફરિયાદમાં જણાવ્યા મુજબ જીતેન્દ્રભાઇ પરમાનંદભાઈ ગોપલાણી નામના ૪૪ વર્ષીય કટલેરીના વેપારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે છ વર્ષ પહેલાં પોતે સંદીપ શેઠિયા, જયદીપ શેઠિયા, સુનીલ નાખવા અને મનીષ ધીરુ નાખવા પાસેથી ઉચા વ્યાજે પૈસા લીધા હતા. જેના જવાબમાં આરોપીઓએ વેપારી પાસેથી કોરા ચેક પર સહી કરાવી પઠાણી ઉઘરાણી કરતા હોવાનુ જણાવ્યું હતું.