સાગર સંઘાણી
સામાન્ય રીતે સ્પીડ બ્રેકર અકસ્માત રોકવા માટે મુકવામાં આવતા હોય છે ત્યારે જામનગરમાં સ્પીડ બ્રેકારના કારણે અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં સ્પીડ બ્રેકર ખડકી દેવાતાં સર્જાયેલા અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજા થઈ હતી. અકસ્માત બાદ મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાના સમર્પણ સર્કલ નજીકની છે જ્યાં સ્વામિનારાયણ મંદિર પાસે રાતોરાત કોઈપણ પ્રકારની નિશાની કે કલરના પટ્ટા વગરનું સ્પીડ બ્રેકર તંત્ર દ્વારા ખડકી દેવામાં આવતા એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
સ્પીડ બ્રેકર સ્પેશિફીકેશન મુજબ બનાવ્યું નથી, ઉપરાંત તેના પર કોઈ પણ પ્રકારના પટ્ટા લગાવ્યા ના હોવાથી ધ્યાનમાં નહી આવતાં આજે સવારે અકસ્માત સર્જાયો હતો જેમાં રૂકસાર સદીમ નિહાર નામની ૨૫ વર્ષની મહિલાને ગંભીર ઈજા થઈ હતી ત્યારે તેણીને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. ઉપરોક્ત સ્પીડ બ્રેકર પર તાત્કાલિક અસરથી પટ્ટા લગાવવામાં નહીં આવે, તો હજુ વધુ અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે.