જામનગર સમાચાર
જામનગરમાં નવાગામ ઘેડ કબીર નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર “તું અમારી જુગાર અંગેની પોલીસને બાતમી શુ કામ આપે છે” તેમ કહી ચાર શખ્સોએ હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. પોલીસ દ્વારા ચારેય હુમલાખોરોને શોધખોડ કરાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ કબીર નગરમાં રહેતા રાહીલ હુસેનભાઇ બલોચ નામના ૩૮ વર્ષના યુવાને પોતાના ઉપર ધોકા પાઇપ વડે હુમલો કરી હાથ પગમાં ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે નવાગામ ઘેડ વિસ્તારમાં જ રહેતા રોહિત શિંગાળા, નીતિન શિંગાળા, રોહિત મકવાણા, અને રાજેન્દ્રસિંહ ઉર્ફે ગોટલી બાબભા રાયઝાદા સામે ફરિયાદ નોંધાવી છે.
જયારે તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ચારેય આરોપીઓએ આવીને કહ્યું હતું, કે તું અમારી જુગારની બાતમી પોલીસને શું કામ આપે છે, તેમની શંકા કુશંકા કરી આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. સિટી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ચારેય હુમલાખોરોને શોધી રહ્યો છે.