JAMNAGAR : માં આવેલું દક્ષિણા મૂર્તિ મંદિર અનોખું છે. જ્યાં મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. ભગવાન મહાદેવની પૂજા ,આરાધના અને કૃપા મેળવવાનો ઉત્તમ અવસર એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે અને શિવાલયો હર હર મહાદેવના નાથથી ગુંજી રહ્યા છે. જામનગર એ છોટીકાશી અને ધર્મનગરી તરીકેનું બિરુદ ધરાવે છે. જ્યાં ભક્તિનો માહોલ હંમેશા સર્વોચ્ચ સ્થાન ઉપર હોય છે.
પૂજારી ધાર્તી આચાર્યએ કહ્યું કે જામનગરમાં આમ તો મહાદેવજીના અનેક મંદિરો આવેલ છે. પરંતુ હવાઈ ચોકમાં આવેલું દક્ષિણા મૂર્તિ મહાદેવ મંદિર જે અલગ મહિમા ધરાવે છે. 100 વર્ષ જુના આ મંદિરમાં મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. લગભગ તમામ જગ્યાએ મહાદેવના શિવલિંગની પૂજા થતી હોય છે પરંતુ જામનગરમાં આવેલા અનોખા મંદિરમાં મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. સમગ્ર ભારતમાં આવા 6 મંદિરો છે. ગુજરાતમાં માત્ર દ્વારકા અને જામનગરમાં જ મૂર્તિ સ્વરૂપે મહાદેવ બિરાજમાન છે.
મહાદેવના દરેક મંદિર પાછળ પૌરાણિક કથા જોડાયેલી હોય છે. જામનગરમાં હવાઈ ચોકમાં આવેલા દક્ષિણા મૂર્તિ મહાદેવ મંદિરની પણ પૌરાણિક કથા પ્રચલિત છે. જ્યાં પણ મહાદેવ મૂર્તિ સ્વરૂપે પૂજાતા હોય ત્યાં તેમના પુત્ર કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે. સામાન્ય રીતે મહાદેવ મંદિરમાં ગણેશજી અને હનુમાનજી બિરાજમાન હોય છે, પરંતુ જામનગરમાં દક્ષિણા મૂર્તિ મહાદેવ મંદિરમાં ગણેશજી અને કાર્તિકેય ભગવાનની મંદિર આવેલું છે. વાર તહેવારે મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે.