જામનગરના મોરકંડા રોડ પરથી ગયા સોમવારે રૃા.૧૬ લાખનું ડીઝલ ભરીને પસાર થતું એક ટેન્કર ડ્રાઈવર સાથે ગુમ થયા પછી તે ટેન્કર ભાયાવદર પાસેથી બિનવારસુ મળ્યું હતું. ટેન્કરમાંથી લોહીના ડાઘા તથા કારતૂસનું ખાલી ખોખું મળતા વહેમાયેલી પોલીસે તપાસ હાથ ધરતા આ બનાવ પરથી પરદો ઉંચકાયો છે. લાલપુરના એક સહિતના પાંચ શખ્સોએ આ ટેન્કરના ચાલકની બંદૂકના ભડાકે હત્યા કરી ટેન્કરની લૂંટ ચલાવ્યાનું બહાર આવ્યું છે.

આ બનાવની વધુ વિગત મુજબ જામનગર તાલુકાના હાપા વિસ્તારમાં રહેતા અને મોરબીની ખાનગી ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવરની નોકરી કરતા પાર્થ ઉર્ફે બાબુભાઈ મિયાત્રા (ઉ.વ.૨૧) ગઈ તા.૭ની રાત્રે જીજે-૩-એઝેડ ૮૮૪૯ નંબરના ડીઝલ ટેન્કરમાં મોટી ખાવડીથી ડીઝલનો ચોવીસ હજાર લીટર જથ્થો ભરી કચ્છના ગાંધીધામ જવા માટે રવાના થયા હતા.

આ ટેન્કર મોટી ખાવડીથી નીકળ્યા પછી જામનગર નજીકના લાલપુર બાયપાસથી ઠેબા ચોકડી તરફ જવાના માર્ગ પર આવેલા મોરકંડા ગામના પાટિયા સુધી પહોંચ્યું હતું ત્યાર પછી તેના સગડ મળ્યા ન હતા. અંદાજે રૃા.૧૬ લાખ ૮૦ હજારનું ડીઝલ સાથેનું આ ટેન્કર ગુમ થતા ટ્રાન્સપોર્ટ માલિક દ્વારા શોધખોળ શરૃ કરવામાં આવી હતી ત્યારે જ તા.૮ના દિવસે ટ્રાન્સપોર્ટ માલિકે જામનગરના પંચકોશી-બી મથકમાં પોતાનું ટેન્કર તથા તેનો ચાલક ગુમ થઈ ગયો હોવાની નોંધ કરાવી હતી તેથી પોલીસે તપાસ શરૃ કરી હતી ત્યારે ભાયાવદર પાસેથી એક ટેન્કર બિનવારસુ હાલતમાં મળતા સ્થાનિક પોલીસે તેને કબજે લઈ ચકાસણી કરાવતા ટેન્કરમાંથી એક ખાલી કારતૂસનું ખોખું અને લોહીના ડાઘ જોવા મળતા પોલીસ ચોંકી હતી. પોલીસે ટેન્કરની તલાશી લેતા તેમાંથી ડીઝલનો થોડો જથ્થો ઓછો થયો હોવાનું અને નંબર પ્લેટ પણ શંકાસ્પદ હોવાનું લાગતા તપાસ આગળ ધપાવાઈ જેમાં આ ટેન્કર જામનગર પાસેથી ગુમ થયાની વિગતો મળતા ભાયાવદર પોલીસે જામનગર પોલીસને જાણ કરી હતી.

WhatsApp Image 2018 05 15 at 10.49.56 AMત્યાર પછી એલસીબી તેમજ પંચકોશી-બીનો પોલીસ કાફલો ભાયાવદર દોડયો હતો ત્યાંથી ટેન્કરનો કબજો સંભાળી જામનગર ખસેડાયા પછી શરૃ થયેલા તપાસના ધમધમાટ વચ્ચે આખરે આ બનાવનો ભેદ ઉકેલાયો છે. પોલીસની તપાસમાં ખૂલ્યા મુજબ ગઈ તા.૭ની રાત્રે નવેક વાગ્યે એસ્સાર કંપનીમાંથી રવાના થયેલું આ ટેન્કર જ્યારે જામનગર તરફ આવતું હતું ત્યારે લાલપુર તાલુકાના નાંદુરી ગામના વતની અને હાલમાં સુરતમાં રહેતા ભરત કેશુરભાઈ કરંગિયા નામના શખ્સે લીફટ માટે વિનંતી કરતા તેના ચાલક પાર્થ ઉર્ફે બાબુભાઈએ ટેન્કર રોક્યું હતું ત્યાર પછી આગળ વહેતા થયેલા ટેન્કરનો ભરતના પાછળ મોટરમાં આવતા સાગરિતોએ પીછો શરૃ કર્યાે હતો.

અગાઉથી નક્કી થયા મુજબ આ ટેન્કર જ્યારે મોરકંડા પાસે પહોંચ્યું ત્યારે લીફટ માગનાર ભરતે પોતાની પાસે રહેલી બંદૂકમાંથી બે ધડાકા કરી પાર્થની હત્યા નિપજાવી હતી ત્યાર પછી ટેન્કરને પરત ફેરવી જામનગર તરફ વાળવામાં આવ્યું હતું તે દરમ્યાન જ પાછળ મોટરમાં આવેલા ભરતના સાગરિત સુરતના છાપરા રોડ પર રહેતા અજય મનજીભાઈ મેરડિયા ઉર્ફે લાલા, શ્રવણ ભૈયાજી, હરિયાણાના સાજીદ મુસ્લિમ તેમજ મહેસાણાના ધવલ ચૌધરી નામના શખ્સોએ મૃતદેહને ટેન્કરમાં જ રહેવા દઈ જામજોધપુરનો માર્ગ પકડયો હતો જ્યાં તેઓએ કોઈને ટેન્કર ડ્રાઈવરની હત્યાની જાણ ન થાય તે માટે મૃતદેહને સળગાવી દીધો હતો.

આ પછી ઉપરોક્ત શખ્સો ટેન્કર સાથે જૂનાગઢ સહિતના જુદા-જુદા કેટલાક વિસ્તારોમાં રખડયા હતા તેમાં તેઓએ આ ટેન્કરને વેચવાના પ્રયાસો કર્યા હતા. ટેન્કરમાં ડીઝલનો જથ્થો ખલાસ થઈ જતાં ટેન્કમાં નળી મૂકી તેમાંથી થોડું ડીઝલ ટાંકીમાં ભર્યું હતું, પરંતુ સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ દરમ્યાન આ શખ્સો નાસી છૂટયા હતા અને ભાયાવદર પોલીસે તે ટેન્કર કબજે કર્યા પછી ઉપરોક્ત બનાવ પરથી ભેદ ઉકેલાયો હતો.

હાલમાં પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.બી. ખાંભલાએ ખુદ ફરિયાદી બની ભરત કેશુરભાઈ, અજય ઉર્ફે લાલા, શ્રવણ ભૈયાજી, ધવલ ચૌધરી, સાજીદ સામે આઈપીસી ૩૦૨, ૩૬૫, ૩૯૬, ૪૭૧, ૨૦૧, ૧૨૦ (બી), આર્મ્સ એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.