વ્હેલ માછલીના 830 ગ્રામ ઉલ્ટીના જથ્થા સાથે એસઓજીએ એક શખ્સને ઝડપી પાડ્યો
જામનગરમાં આવેલી પટેલ કોલોની વિસ્તારમાં અતિ દુર્લભ એવા વ્હેલ માછલીના ઉલ્ટીનો જથ્થો એટલે કે એમ્બરગ્રીસના 830 ગ્રામ જથ્થા સાથે એસઓજીએ એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ અતિ દુર્લભ જથ્થાની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કરોડોની કિંમત ગણવામાં આવે છે. આરોપીએ આ એમ્બરગ્રીસનો જથ્થો રાજકોટ રહેતા તેના મામાજી સસરા પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર એસઓજી શાખાએ ચોક્કસ બાતમીના આધારે પટેલ કોલોનીમાં દરોડો પાડ્યો હતો. એસઓજીને મળેલી બાતમીના આધારે ખંભાળીયાનો ભાવેશગીરી અરવિંદગીરી ગૌસ્વામી શખ્સ અતિ દુર્લભ એવા એમ્બરગ્રીસના જથ્થાનું જામનગરમાં વેંચાણ કરવા આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતું. જેથી એસઓજીએ પટેલ કોલોનીમાં શેરી નં.9માં વોંચ ગોઠવી ભાવેશગીરી ગોસ્વામીને જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. એસઓજીએ તલાસી લેતા આ શખ્સ પાસેથી 830 ગ્રામ જેટલું વ્હેલ માછલીના ઉલ્ટીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ જથ્થો કબ્જે કરીને પૃથ્થકરણ માટે ગાંધીનગર લેબોરેટરી ખાતે મોકલી આપ્યો છે.
જામનગર એસઓજીએ જણાવ્યું હતું કે આ એમ્બરગ્રીસ જથ્થાની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કરોડોની કિંમત ગણવામાં આવે છે. ઝડપાયેલા ભાવેશગીરી ગોસ્વામીએ પોલીસ સમક્ષ કબૂલાત આપતાં જણાવ્યું હતું કે આ વ્હેલ માછલીના ઉલ્ટીનો જથ્થો રાજકોટમાં રહેતા તેના મામાજી સસરા ગૌતમ ગોસ્વામી પાસેથી લાવ્યો હતો, જેથી પોલીસે તપાસનો દૌર રાજકોટ તરફ વાળ્યો છે.
વ્હેલ માછલીના જઠરાંત્રિય માર્ગમાં ઉત્પન્ન થતાં પદાર્થને ઉલ્ટી દ્વારા બહાર કાઢે છે જેને એમ્બરગ્રીસ કહેવામાં આવે છે. દરિયા કાંઠે દાણચોરી કરતા ઘણા શખ્સો દ્વારા આ એમ્બરગ્રીસના જથ્થાની પણ દાણચોરી કરવામાં આવે છે. ભારતભરની તપાસ એજન્સીઓએ તાજેતરના ભૂતકાળમાં એમ્બરગ્રીસનો જથ્થો જપ્ત કર્યો છે. આ એમ્બરગ્રીસના જથ્થાનો દુનિયાભરમાં અત્તર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ભૂતકાળમાં આ પદાર્થનો ઉપયોગ ખોરાક અને આલ્કોહોલિક પીણાં તથા તમાંકુને સ્વાદ આપવા માટે કરવામાં આવતો હતો. પરંતુ વર્તમાન સમયમાં આ ઉપયોગ ભાગ્યેજ જોવા મળે છે. એમ્બરગ્રીસમાં કસ્તૂરી જેવી સુગંધ આવતી હોવાથી અત્તર બનાવવા માટે તેની સૌથી વધુ માંગ રહે છે જેના કારણે આ પદાર્થ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કરોડોમાં વહેંચાય છે.