જામનગર સમાચાર
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે કે, કંપનીની પાઈપલાઈનથી દૂર રહેવું અને અકસ્માત ન થાય તે માટે સૌએ સતર્ક પણ રહેવું. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિ જો આ પાઈપલાઈનને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડશે તો તે વ્યક્તિ વિરુદ્ધ કંપની દ્વારા આકરી કાર્યવાહીઓ કરવામાં આવશે.
કંપનીએ કહ્યું છે કે, જામનગર આસપાસના ગામડાંઓમાંથી કંપનીની પાઈપલાઈન પસાર થાય છે જેમાં ભારે પ્રેશર સાથે ઓઈલનું વહન કરવામાં આવે છે. આ પાઈપલાઈન સાથે કોઈપણ પ્રકારના ચેડાં કરવા નહીં, એમ કરવાથી પાઈપલાઈન લીકેજ થઈ શકે છે, મોટી આગ લાગી શકે છે. સમગ્ર પાઈપલાઈન પર કંપનીની નજર છે અને ચેડાં અથવા દબાણ શોધી કાઢવા માટેની આધુનિક ટેકનોલોજી છે.આ ઉપરાંત પાઈપલાઈન સાથેના કોઈ પણ ચેડાં અંગે કોઈ પણ વ્યક્તિ કંપનીને જાણ કરે તો તેવા કિસ્સાઓમાં તે વ્યક્તિનું નામ ગુપ્ત રાખી તે વ્યક્તિને ઈનામ આપવાની પણ વ્યવસ્થા કંપની દ્વારા કરવામાં આવી છે. કારણ કે આ રાષ્ટ્રીય સંપતિને બચાવવી કંપની સહિત આપણી સૌની ફરજ છે.
કાયદાઓ મુજબ, પાઈપલાઈન સાથેનું કોઈ પણ ગેરકાયદેસર કામ બિનજામીન પાત્ર ગુનો છે, જેમાં ભારે દંડ પણ થઈ શકે છે અને આજિવન કેદ સુધીની સજા પણ થઈ શકે છે. માટે કોઈએ પણ પાઈપલાઈન સાથે કોઈપણ પ્રકારના ચેડાં ન કરવા અંગે આથી ચેતવણી આપવામાં આવે છે, અન્યથા તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવશે. કંપની પાઈપલાઈનના રક્ષણ અને પેટ્રોલિંગ માટે ખેતીની અથવા ખાનગી જગ્યામાં પણ પ્રવેશી શકે છે. અને કોઈ પણ પ્રકારની ઈમરજન્સી માટે કંપનીનો ફોન નંબર 1800 123 2219 અથવા 1800 102 6322 પર સંપર્ક કરવો. અને કંપનીને આ બાબતે સહયોગ આપવા વિનંતી.