- એક વેપારી સાથે પ્લાસ્ટિકના વેપારીએ રૂપિયા ૧૫ લાખની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ
- પોતાના ધંધા માટે ૧૫ લાખ મેળવ્યા પછી વેપાર ધંધો બંધ કરી ગામ છોડી ભાગી જતાં વેપારી સામે ફરિયાદ નોંધાવાઈ
જામનગર ન્યૂઝ : જામનગરના એક ભાનુશાળી વેપારી સાથે રૂપિયા ૧૫ લાખની છેતરપિંડી થઈ છે. જામનગરના પ્લાસ્ટિકના એક વેપારીએ ધંધાની જરૂરિયાતમાત માટે રૂપિયા ૧૫ લાખની રકમ મેળવ્યા પછી પોતાનો પ્લાસ્ટિકના વાડો બંધ કરી ગામ છોડી ભાગી છૂટ્યો હતો, તેથી તેની સામે રૂપિયા ૧૫ લાખની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રાજનગર શેરી નંબર ૪ માં રહેતા રવિભાઈ જયેશભાઈ ફલિયા નામના ભાનુશાળી વેપારીએ ગત ૪.૧૧. ૨૦૨૨ના દિવસે જામનગરમાં મોદીવાડ વિસ્તારમાં રહેતા અને પ્લાસ્ટિક- એક્રેલિક નો વેપાર કરતા અબ્બાસ શબ્બીરભાઈ ચીકાણી નામના વેપારીને ધંધાની જરૂરિયાત માટે રૂપિયા ૧૫ લાખની રકમ ચેક મારફતે આપી હતી.
જે રકમ બેંકમાંથી ઉપાડી લીધા પછી પૈસા પરત આપવા ન પડે, તે માટે પોતાનો ધંધો બંધ કરી દીધો હતો, અને ગામ છોડીને ભાગી છૂટ્યો છે, અને પોતાનો મોબાઈલ પણ બંધ કરી દીધો છે. આથી ભાનુશાલી વેપારીએ જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો, અને વ્હોરા વેપારી સામે રૂપિયા ૧૫ લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.
સાગર સંઘાણી