દિવાળીના તહેવારો ટાણે દર વર્ષે તમામ દરની નવી નોટોની તંગી સર્જાતી હોય છે. તે જ રીતે આ વર્ષે પણ નવી નોટો ક્યાંય જોવા મળતી નથી.
તહેવારોમાં ખાસ કરીને દિવાળીના તહેવારો સમયે રિઝર્વ બેંક દ્વારા સ્ટેટ બેંક દ્વારા સ્ટેટ બેંક સહિત અન્ય રાષ્ટ્રીયકૃત બેંકોને નવી નોટોનો જથ્થો મોકલાતો હોય છે. અને આ નવી નોટો બેંકવાળાઓ લાગતા વળગતા મોટા કારખાનાવાળા, દુકાનદારો કે સંબંધીઓને પાછલા બારણેથી આપી દેતા હોય છે. દેખાવ પૂરતી થોડી નોટો બેંકના નાના ગ્રાહકોને ઈસ્યુ કરતા હોય છે. અથવા સામાન્ય ઉપાડમાં આપતા હોય છે.
અત્યારે બજારમાં રૃપિયા બસો, પાંચસો, અને બે હજારના દરની નવી નોટો જોવા મળે છે. આ નોટોની કોઈ તંગી નથી. પણ નાની-મોટી લેવડ-દેવડમાં જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે તેવી રૃપિયા દસ, વીસ, પચ્ચાસ અને એકસોના દરની નવી નોટ ક્યાંય દેખાતી નથી. જામનગરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક, તથા બેંક ઓફ બરોડામાં રિઝર્વ બેંક દ્વારા નવી નોટોનો જથ્થો આવી ગયો છે.
પણ તે કેવી રીતે ઈસ્યુ થાય છે તેની સમજ પડતી નથી. કે કોઈ જાણકારી નથી.નવાઈની વાત એ છે કે મોટા ગજ્જાની ખાનગી બેંકોમાંથી આ નવી નોટોના બંડલ ખુલ્લે આમ ઈસ્યુ થઈ રહ્યા છે. એટલું જ નહીં દસ, વીસ અને પચ્ચાસની નવી નોટોના બંડલના કાળાબજાર પણ થઈ રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.
એકંદરે બજારમાં એક પણ દરની નોટની અછત નથી, વેપાર-ધંધા, રોજબરોજની લેવડ-દેવડમાં નાના દરની નોટ કે પરચુરણની કોઈ તંગી નથી. પણ તહેવારોમાં નવી નોટોના આપણા રિવાજ અને પ્રણાલી જાળવી રાખવા લોકો નવી નોટોનો આગ્રહ રાખતા હોવાથી આ કૃત્રિમ તંગી સર્જાય છે!