પાણીમાં ડૂબી રહેલી મહિલાનું સફળ રેસ્ક્યુ
જામનગર સમાચાર
, જામનગરના લાખોટા તળાવમાં એક વૃદ્ધ મહિલાએ આજે સવારે પાણીમાં ઝંપલાવી દીધું હતું, જેઓને તરતા આવડતું હોવાથી અંદર પાણીમાં તરી રહ્યા હતા, દરમિયાન ફાયર બ્રિગેડની ટુકડીએ પાણીમાં જંપ લાવી દઈ દસ મિનિટ પીછો કરી બહાર કાઢી લીધા હતા અને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા છે.
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા હંસાબા જાડેજા નામના ૬૫ વર્ષના વૃદ્ધ મહિલા કે જેઓ માનસિક સમતુલા ગુમાવી બેઠા છે. તેઓએ આજે સવારે ૭.૩૦ વાગ્યાના અરસામાં તળાવની પાળે આવ્યા પછી તળાવના પાણીમાં ઝંપલાવી દીધું હતું.
આ બનાવ સમયે તળાવની પાળે હાજર રહેલી વ્યક્તિએ તરત ફાયર શાખાને જાણ કરતાં ફાયર શાખાની ટીમના ભરત જેઠવા, જયંતીભાઈ સિંધવ અને ભરત ગોહેલ વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને પાણીમાં ઝંપલાવી દઇ વૃદ્ધ મહિલાને પાણીમાંથી જીવીત બહાર કાઢી લીધા હતા.
વૃદ્ધ મહિલા ને પાણીમાં તરતાં આવડતું હોવાથી તેઓએ ઝંપલાવ્યા પછી તરતાં તરતાં તળાવની મધ્યમાં ચાલ્યા ગયા હતા. દરમિયાન પાછળથી ફાયર બ્રિગેડની ટુકડી એ પણ ઝંપલાવી દીધું હતું, અને લાઈફ જેકેટ સાથે પાણીમાં પહોંચી જઈ વૃદ્ધ મહિલા ફિલ્મી ઢબે પીછો કરી લાઈફ જેકેટના સહારે બહાર ખેંચી લીધા હતા.
ત્યારબાદ ૧૦૮ ની ટીમને ઘટના સ્થળે બોલાવી લઇ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા છે.