- દારૂની 1140 બોટલ ઝડપાઈ
- કુલ 5,75,000 ના મુદ્દામાલ સાથે 1 શખ્સની ધરપકડ
- અન્ય શખ્સની શોધખોળ હાથ ધરાઇ
જામનગર ન્યૂઝ : જામનગર જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારી થતી હોવાની વચ્ચે સમયાંતરે દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. બુટલેગરો બેખોફ બનીને આડેધડ દારૂ વેચી રહ્યા છે. અને અમુક અસામાજિક તત્વો તેનું સેવન પણ કરી રહ્યા છે. તેવામાં જામજોધપુરના જામ સખપર ગામે પોલીસે રહેણાંક મકાનમાં રેડ પડી દારૂની 1140 બોટલ તથા એક મોબાઇલ ફોન મળી એમ કુલ 5,75,000 ના મુદ્દામાલ સાથે 1 શખ્સને પકડી પાડયો હતો. જેની તપાસમાં 3 શખ્સના નામ ખુલ્યા હતા.
PI વાય,જે.વાઘેલા કરતાં હતા પેટ્રોલીગ
જામનગર જિલ્લામાં થતી દારૂની રેલમછેલ અટકાવવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હોય જેને લઇને સ્થાનિક પોલીસ જહેમત ઉઠાવી રહી હતી. આ દરમીયાન જામજોધપુર પોલીસ સ્ટેશનના PI વાય,જે.વાઘેલા દ્વારા વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃતી અટકાવવા પેટ્રોલીગમાં હતા.
ભાવેશભાઇ મોરીના રહેણાક મકાનમાં પાડી રેડ
આ દરમિયાન કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા તથા નવલભાઇ આસાણી, રવિન્દ્રસિંહ જાડેજાને દારૂ મામલે ખાનગી બાતમી હતી. આ હકિકત આધારે પોલીસે જામ સખપર ગામે ભાવેશભાઇ નારણભાઇ મોરીના રહેણાક મકાનમાં રેડ પાડી હતી. જે દરમીયાન 5.70 લાખનો દારૂનો 1140 બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે લાવા કંપનીનો ફોન કીમત રૂ. 5000 મળી કીમત રૂ. 5,75,000 નો મુદામાલ કબ્જે કર્યો હતો.
ફરારી આરોપીને પકડવા ચક્રો ગતિમાન
પોલીસે દારૂના જથ્થા સાથે પોરબંદરના રાણાવાવ વિસ્તારમાં આવેલ મોટા રબારીપરામાં રહેતા ભુરાભાઈ કરમટાને પકડી પાડ્યો હતો. જેની ઊંડી તપાસ હાથ ધરતા આ પ્રકરણમાં રાજુભાઈ મોરી, સુરેશભાઈ મોરી તથા ભાવેશભાઈ મોરી નામના જામશખપર ગામના શખ્સોની સંડોવણી ખુલી હતી. જે આરોપીઓ હાલ પોલીસ પકડમાં ન આવતા પોલીસે તેમને ફરારી જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સાગર સંઘાણી