સંજય વાઘેલા
જામનગર જિલ્લા પંચાયતમાંથી બે હજાર ફાઈલ ગુમ થવા બાબતે અંતે ફરિયાદ નોંધાઈ છેં. જેમાં જયવીરસિંહ પ્રવીણસિંહ ચુડાસમાએ સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં હરિસિંહ પ્રતાપસિંહ ગોહિલ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. એવું કહેવાય છે કે સરકારી કચેરીમાં ફાઇલ એક ટેબલથી બીજા ટેબલ પર લઇ જવા માટે લાંચ આપવી પડે છે, પરંતુ જામનગરમાં જિલ્લા પંચાયતની કચેરીમાંથી એક-બે નહીં પરંતુ બે હજાર જેટલી ફાઇલોની ચોરી થઇ હોવાની વાત બહાર આવતાં ખકળભળાટ મચી જવા પામ્યો છે. તમને જાણીને નવાઇ લાગશે કે આ કચેરીમાં સીસીટીવી ઉપરાંત સિક્યોરિટીથી સુસજજ છે, છતાં રાત્રીના સમયે ટ્રેક્ટર ભરી અગત્યના દસ્તાવેજો કોઈક ઉપાડી ગયા હતા, જેને લઈ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. આજથી બે મહિના પહેલાં ટ્રેક્ટરમાં કોઇ શખ્સ ઇલેક્ટ્રીક વિભાગના રેકોર્ડ રૂમમાંથી સંખ્યાબંધ ફાઈલો ઉઠાવી ગયો હોવાનું સામે આવ્યું છે. જેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસના આદેશો કરાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ જિલ્લા પંચાયતમાં બાંધકામ વિભાગ હેઠળના ઈલેક્ટ્રીક વિભાગની રેકાર્ડની ફાઈલ માટે એક અલગ રેકોર્ડ રૂમ આવેલો છે, જેમાં વર્ષોથી તમામ સાહિત્ય અકબંધ રાખવામાં આવ્યું છે. જે રેકર્ડ રૂમમાંથી કોઈ પ્રકરણમાં નાયબ કાર્યપાલક ઇજનરે તાજેતરમાં કેટલીક ફાઈલો મંગાવી હતી, જે દરમિયાન રેકર્ડ રૂમમાં સંખ્યાબંધ ફાઈલો ગુમ થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી સમગ્ર મામલો જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લઈ જવામાં આવ્યો હતો. આ વાત સાંભળી જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ પણ ચોંકી ગયા હતા અને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા, અને આ મામલે સી.ટી.એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની પણ સૂચના આપી હતી.
સમગ્ર મામલે એવી પણ ચર્ચાઓ વહેતી થઇ છે કે બે મહિના પહેલાં કેટલાક શખ્સો રાત્રિના સમયે જિલ્લા પંચાયતની કચેરીમાં આવ્યાં હતા, અને ઈલેક્ટ્રીક વિભાગના રેકોર્ડ રૂમમાંથી ફાઈલો ઉઠાવી ગયા હતા. સરકારી કચેરીમાં આ રીતે રેકર્ડ ગુમ થવાથી સિક્યોરિટી, અધિકારીઓ સહિતનાઓની મોટી બેદરકારી સામે આવી છે. જો કે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થયા બાદ સમગ્ર હકિકત અને કોની કોની મેલીમૂરાદ છે તે સામે આવી શકે છે.