જામનગરમાં જીવલેણ અકસ્માતનો સીલસીલો યથાવત રહ્યો છે. ગત મોડી રાત્રે જામનગર શહેરના મહાપ્રભુજીની બેઠક નજીક બાઇક અને કાર વચ્ચે ધડાકાભેર અક્સ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવાનનું મોત થતા અરેરાટી મચી છે.આ અકસ્માતને લઇને પોલીસ અને સબંધીના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
આ ગોઝારી ઘટનાની પ્રાથમિક વિગત અનુસાર ગત મોડી રાત્રે જામનગર શહેરના મહાપ્રભુજી બેઠક નજીક આવેલ રાધિકા સ્કૂલ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જીજે.10 ડીજે 5361 નંબરની વેગનઆર કાર અને જીજે 10 5737 નંબરની સ્પ્લેન્ડર બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહનની જોરદાર ટક્કરમાં સ્પ્લેન્ડર મોટર સાઇકલ ચાલક યુવાન સમદ સલીમભાઇ ભગાવડા (ઉ.વ.૨૦) માર્ગ પર ઢળી પડ્યો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતા લોહી લોહાણ હાલતમાં તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં યુવાનનું મોત થયું હોવાનું તબીબે જાહેર કર્યું હતું.
આ બનાવ ની જાણ થતા મોટી સંખ્યામાં સમાજના યુવાનો સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.બીજી બાજુ સિટી-એ ડિવિઝન પોલીસની ટુકડી જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી. જ્યાં વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર:સાગર સંઘાણી