ગઇ રાતથી આજ સવાર સુધીમાં જામનગર શહેર સહિત સમગ્ર જામનગર અને દ્વારકા જિલ્લામાં એકથી સાત ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ વરસી ગયાના અહેવાલો મળ્યાં છે. પ્રથમ સારા વરસાદને પગલે જામનગર જિલ્લાના બે જળાશયો ભરાઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ લાલપુર અને કાલાવડમાં સાત ઇંચ જેટલો થયો હતો.જામનગર જિલ્લાની બપોરની 12:00 વાગ્યા સુધીની વરસાદની માહિતી જોઇએ તો, જામનગર જિલ્લાના જામનગર શહેરમાં પાંચ ઇંચ વરસાદને લઈને મુંબઇ-જામનગર ફલાઇટ દોઢ કલાક મોડી થવા પામી છે. કાલાવડ-લાલપુરમાં સાત ઇંચ વરસાદ વરસ્યો હતો, પરિણામે પોરબંદર- કાનાલુસ વચ્ચે લોકલ ટ્રેન લાલપુર અટકાવી દેવાઈ છે. આ ઘટનાને પગલે રાજકોટ ડીઆરએમ ઘટના સ્થળે પોહોંચ્યા હતા. જામજોધપુરમાં અઢી ઇંચ, ધ્રોલમાં પોણા ત્રણ ઇંચ જ્યારે જોડિયામાં સૌથી ઓછો પોણો ઇંચ વરસાદ થયો હતો. બપોરે 1:00 વાગ્યાની સ્થિતિએ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ધીમો પડી ગયો હોવાના અહેવાલ છે.
જિલ્લાના ડેમની વાત કરવામાં આવે તો, સોમવારે બપોરના 12 વાગ્યા સુધીમાં સસોઇ ડેમ ઉપર 235 મીમી, પન્ના ડેમ ઉપર 150, ફુલઝર-1 ઉપર 35, સપડા 20, ફુલઝર-2 125, સોરઠી 10, વિજરખી 30, રણજીતસાગર 29, ઉંડ-3 45, રંગમતી 90, ઉંડ-2 22, રૂપાવટી 70 જ્યારે ઉમીયા સાગર ડેમ ઉપર 25 મીમી વરસાદ થયો હતો. જ્યારે જિલ્લામાં સાર્વત્રીક વરસાદથી બાલંભડી, ઉંડ-4 અને ઉંડ-3 ડેમ ઓવરફલો થઇ ગયા હતા.