જામનગર શહેરમાં પાટીદાર અનામત આંદોલન સમયે રણજીતસાગર રોડ પર થયેલા તોફાનોના સંદર્ભમાં પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી સહિત ૧૪ આરોપીઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો, જે કેસ અદાલતમાં ચાલી જતાં અદાલતે તમામ ૧૪ આરોપીઓને છોડી મૂકવા હુકમ ફરમાવ્યો છે.

મળતી મહીત્તી મુજબ જામનગર શહેરમાં રણજિત સાગર રોડ પર પાટીદાર અનામત આંદોલન સંદર્ભે લાલપુર બાયપાસ થી પવનચક્કી સુધીના માર્ગ પર તોફાનો થયા હતા, અને ગેરકાયદે મંડળી રચી એક પોલીસ કર્મચારીનું મોટર સાયકલ સળગાવી નાખવામાં આવ્યું હતું.

આ સંદર્ભે જામનગરના પૂર્વ કોર્પોરેટર સહિત ૧૪ આરોપીઓ સામે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ ૧૪૩ અને ૪૩૫ મુજબ ગુનો દાખલ કરાયો હતો, અને પોલીસ દ્વારા આ કેસ મામલે અદાલતમાં ચાર્જશિટ કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત કેસ જામનગરના પાંચમા એડી. સિનિયર સિવિલ જજ એન.આર. પાથરની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા તમામ આરોપીઓને છોડી મૂકવા હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં તમામ આરોપીઓ તરફે વકીલ નાથાલાલ પી. ઘાડિયા, હિતેન અજુડિયા, હસમુખ મોલીયા, પરેશ સભાયા, અર્પિત રૂપાપરા વગેરે રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.