- વસઈ ગામના પાટીયા નજીક બે ખાનગી બસ અને બોલેરો કાર વચ્ચે અકસ્માત
- રોડની બન્ને બાજુ વાહનોની લાંબી લાઇનો લાગી
- બોલેરો કારની અંદર બેઠેલી 3 વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી હતી
Jamnagar : ખંભાળિયા ધોરી માર્ગ પર આજે વહેલી સવારે વસઈ ગામના પાટીયા નજીક પાસે બે ખાનગી બસ તેમજ બોલેરો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બોલેરો કારની અંદર બેઠેલી 3 વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી હતી, અને તેઓને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જામનગરથી મોટી ખાવડી તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ કે જેના ચાલકે એકાએક બ્રેક મારતાં તેની પાછળ આવી રહેલી બોલેરો કાર ધડાકાભેર બસની સાથે અથડાઈ હતી. ત્યારબાદ પાછળ આવી રહેલી બીજી ખાનગી લક્ઝરી બસ ધડાકાભેર બોલેરો સાથે ટકરાતાં બોલેરોનો ભુક્કો વળી ગયો હતો.
આ અકસ્માતને લઈને ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત લક્ઝરી બસમાં બેઠેલા કોઈ મુસાફરોને ઈજા થઈ ન હતી, અને તમામ મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા. જે લોકો બીજા વાહનો મારફતે પોતાના કામ ધંધા તરફ રવાના થયા હતા. તેમજ આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયો હતો, અને આશરે 45 મિનિટની જહેમત લઈને ટ્રાફિક જામને હળવો કરીને વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો.
આ દરમિયાન વહેલી સવારે મોટી ખાવડી સહિતની જુદી જુદી ખાનગી કંપનીઓમાં અથવા તો અન્ય ધંધાના સ્થળે જઈ રહેલા લોકો ફસાયા હતા, અને થોડો સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. પરંતુ મોડેથી ધીમે ધીમે ટ્રાફિકને પૂર્વવત બનાવી દીધો હતો.