જમ્મુમાં 14, શ્રીનગરમાં 1, હરિયાણામાં 13 સ્થળો તેમજ ગાઝિયાબાદ, બેંગ્લોર સહિતના સ્થળોએ પણ સીબીઆઈ ત્રાટકી
સીબીઆઈએ આજે જમ્મુ અને કાશ્મીર પોલીસ ભરતી કૌભાંડના સંદર્ભમાં દેશભરમાં 33 સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમાં સીબીઆઇની ટીમે ગાંધીનગરમાં પણ દરોડા પાડીને તપાસનો ધમધમાટ ચલાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ દરોડા જમ્મુ અને કાશ્મીરના એસએસબીના અધ્યક્ષ ખાલિદ જહાંગીર અને કંટ્રોલર અશોક કુમાર સહિત અન્ય આરોપીઓના સ્થાન પર ચાલી રહ્યા છે. જમ્મુમાં 14, શ્રીનગરમાં 1, હરિયાણામાં 13 અન ગાઝિયાબાદ, બેંગલુરુ અને ગુજરાતના 1-1 સ્થળે સીબીઆઈના દરોડા ચાલી રહ્યા છે. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીર પોલીસ, ડીએસપી અને સીઆરપીએફના અધિકારીઓના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
જમ્મુ અને કાશ્મીર સબ ઈન્સ્પેક્ટરની ભરતીની પરીક્ષા 27 માર્ચ 2020ના રોજ યોજાઈ હતી, જેમાં 97000 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જમ્મુ અને કાશ્મીર સબ ઇન્સ્પેક્ટરની ભરતીની પરીક્ષાનું પરિણામ 4 જૂન 2022 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં 1200 ઉમેદવારો પાસ થયા હતા. જેમાં એડુમેક્સ કોચિંગના મોટાભાગના ઉમેદવારોએ સબ ઈન્સ્પેક્ટરની ભરતીની પરીક્ષા પાસ કરી હતી. જોકે, પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો મળતાં તેને રદ કરવામાં આવી હતી.
જમ્મુ અને કાશ્મીર સબ ઈન્સ્પેક્ટર ભરતી કૌભાંડમાં સીબીઆઈએ જમ્મુ કાશ્મીર સ્ટાફ સિલેકશન બોર્ડના સભ્ય નારાયણ દત્ત, બીએસએફના ડોક્ટર કૃણાલ સિંહ, એસઆઈની પરીક્ષા આપનારી કંપની મેરિટ્રેક્સ સર્વિસ અને એડુમેક્સ કોચિંગ ક્લાસના સંચાલકની ધરપકડ કરી છે.
ગયા મહિને પણ 30 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા
ગયા મહિને 5 ઓગસ્ટના રોજ સીબીઆઈએ જમ્મુ-કાશ્મીર સબ ઈન્સ્પેક્ટર ભરતી કૌભાંડમાં 30 સ્થળોએ દરોડા પાડ્યા હતા. 5 ઓગસ્ટે જમ્મુમાં 28 સ્થળોએ, શ્રીનગર અને બેંગ્લોરમાં એક-એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. આરોપ મુજબ, પરીક્ષા રદ્દ થયા બાદ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈએ જમ્મુ-કાશ્મીર સબ ઈન્સ્પેક્ટર ભરતી કૌભાંડમાં 33 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.