જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ત્રાલ બસ સ્ટેન્ડ પર આતંકવાદીઓએ ગ્રેનેડ વડે હુમલો કરતા આ ઘટનામાં 7 લોકો ઘાયલ થયા છે. જેમાંથી એકની ગંભીર હાલત જોતા તેમને શ્રીનગર હોસ્પિટલમાં રિફર કરાયા છે. ગઈકાલે સાંજે થયેલા આ હુમલા બાદ સૈનિકોએ તુરંત સ્થળ પર પહોંચી સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. પરંતુ હજુ સુધી હુમલો કરનારા આતંકીઓ હાથ લાગ્યા નથી.
મળતી માહિતી મુજબ રવિવારે સાંજે આતંકીઓએ બસ સ્ટેન્ડની ભીડભરી જગ્યા પર હુમલો કર્યો. સ્થળ પર હાજર 7 લોકો ધડાકાની લપેટમાં આવી ગયા હતા. હુમલાને કારણે અંધાધૂંધી ફેલાઈ. પોલીસ કર્મચારી અને સેના જવાનોએ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને ઝડપી હૉસ્પિટલમાં પહોંચાડ્યા. તેઓની ઓળખ મોહમ્મદ અહમદુ, હસીના, જમાલુદ્દીન, ઇલ્યાસ અહેમદ ખલીફા, બશીર અહેમદ અને ફારૂક રેશી તરીકે થઈ છે.
સ્થળ પર સર્ચ દરમિયાન ગ્રેનેડની પિન મળી આવી હતી, જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે ગ્રેનેડથી હુમલો થયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આતંકીઓ વાહનમાં આવ્યા હતા. હુમલો કર્યા બાદ તેઓ સ્થળ પરથી ભાગી ગયા. પોલીસ દ્વારા સ્થળ ઉપર વધારાના જવાનોને બોલાવીને વિસ્તારની તલાશી લેવામાં આવી રહી છે. આ સિવાય નાકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જેથી હુમલો કરનારા આતંકવાદીઓને પકડી શકાય.