જમ્મુ-કાશ્મીરમાં ગુપ્ત વિભાગે ઘાટીમાં એલર્ટ જાહેર કર્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે, શ્રીનગરમાં આગામી 2-3 દિવસમાં ફિદાયીન હુમલા અને આતંકીઓ દ્વારા હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપવાની આશંકા છે. હુમલો સુરક્ષાદળો અને તેની સાથે જોડાયેલા સંસ્થાનો પર પણ થઇ શકે છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, સરહદ પારથી જમ્મુ-કાશ્મીરમાં 20 આતંકીઓની ઘૂસણખોરીના સમાચાર છે. આશંકા છે કે મોટાભાગના આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સંગઠનના છે. આ સાથે શુક્રવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ સીઆરપીએફની 183 બટાલિયનના બંકર પર ફાયરિંગ કર્યું. ત્યારબાદ ત્યાં સીઆરપીએફ સર્ચ ઓપરેશન કરી રહ્યું છે
જે દરમિયાન સૈનિકોને ત્યાં શંકાસ્પદ IED મિકેનિઝમ ભરેલી 3 બેગ્સ મળી આવી છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે રમજાનના મહિનામાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન નહીં ચલાવવામાં આવે. સરકાર તરફથી એમપણ કહેવામાં આવ્યું હતું કે આતંકીઓ તરફથી હુમલા થવાની પરિસ્થિતિમાં સુરક્ષાદળ જવાબી કાર્યવાહી કરશે.