ગુજરાત પ્રવાસનાં છેલ્લા દિવસે રાદડીયાના ગઢમાં વડાપ્રધાનની જનસભા: દોઢ લાખથી વધુ લોકોની મેદની: સૌરાષ્ટ્રમાં જોરશોરથી પીએમનો ચૂંટણી પ્રચાર: જામકંડોરણામાં દિવાળી જેવો માહોલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે જ મોરચો સંભાળી લીધો છે. તેઓ કોઈ કચાશ રાખવા ન માંગતા હોય, ગુજરાતનો ત્રણ દિવસનો પ્રવાસ ખેડી રહ્યા છે. જેમાં આજે તેઓએ અંતિમ દિવસે રાજકોટમાં જામકંડોરણામાં સભા ગજાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે હવાઈ માર્ગેથી જામકંડોરણા પહોંચ્યા હતા. જ્યાંલ તેઓએ 11:30 વાગ્યાના અરસામાં જનસભા સંબોધી હતી. અંદાજે દોઢ લાખની જનમેદની આ વેળાએ ઉપસ્થિત રહી હતી. બીજી તરફ જામકંડોરણામાં જાણે આજે દિવાળી હોય એમ આખું નગર શણગારથી સજ્યું હતું. 55 વીઘામાં 5 વિશાળ ડોમ બનાવેલ હતા. જેમાં લાખોની જનમેદનીએ બેસનીને વડાપ્રધાનનું સંબોધન સાંભળ્યુ હતું. બીજી તરફ આ કાર્યક્રમમાં સુરક્ષા ઉપર પણ પૂરતું ધ્યાન અપાયુ હતું.
પીએમના પ્રોગ્રામને લઈને સેન્ટ્રલ સિકયુરિટી એજન્સીઓએ ત્રણ દિવસથી જામકંડોરણામાં પડાવ નાખ્યો છે. એસપીજીની ટીમો તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ અને સેન્ટ્રલના સિકયુરિટી ઓફિસર્સ સાથે સ્થાનિક ઉચ્ચ અધિકારીઓએ મળીને જામકંડોરણાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. રેન્જ આઈજી, સાત એસપી 13 ડીવાયએસપી 30 પીઆઈ, 101 પીએસઆઈ તથા અન્ય પોલીસ કર્મચારીઓ મળી 1285નો પોલીસ ઉપરાંત હોમગાર્ડ, જીઆરડી જવાનો પણ બંદોબસ્તમાં ખડેપગે રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં રાષ્ટ્રીય નેતાઓની અવરજવર સતત જોવા મળી રહી છે. પીએમ મોદીથી લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પાણી પહેલાં પાળ બાંધવામાં લાગી ગયા છે. ભાજપના જોરને નબળું પાડવા આમ આદમી પાર્ટી બરાબરની કમર કસી રહી છે. ત્યારે થર્ડ પાર્ટી હોમસ્ટેટમાં ઘર કરી ન જાય એ માટે ખુદ વડાપ્રધાન મોદીને દિલ્હીથી ધક્કા ખાઇ રહ્યા છે.
જયેશ રાદડિયાની ટિકિટ તો નિશ્ર્ચિત જ મોટું પદ પણ મળશે!
મોદીની સભાથી 5 બેઠકને સીધી અસર પડશે. જો કે સભા અને શક્તિપ્રદર્શન માટે જામકંડોરણાની પસંદગી કરવામાં આવી હોય,જયેશ રાદડિયાની ટિકિટ પણ નિશ્ચિત ગણાય રહી છે. આ ઉપરાંત તેઓને મોટું પદ પણ ચોક્કસ મળશે તેવા અહેવાલો મળી રહ્યા છે. જામકંડોરણાએ જયેશ રાદડિયાનો ગઢ છે. તેઓએ મોદીના કાર્યક્રમની તૈયારીઓનો મોરચો પણ બખૂબી રીતે સંભળ્યો હતો. બીજી તરફ જામકંડોરણામાં વડાપ્રધાન મોદીને આવકારવામાં પણ કોઈ કચાશ છોડવામાં આવી ન હતી. જાણે આજે દિવાળી હોય તેવો માહોલ જામકંડોરણામાં જોવા મળ્યો હતો. ઠેર-ઠેર શણગાર અને આંખે ઉડીને વળગે તેવી ચોખ્ખાઈથી વડાપ્રધાનની મુલાકાતને લઈને લોકોમાં જે ઉત્સાહ છે તે સ્પષ્ટ દેખાઈ આવ્યો હતો.
આસપાસની પાંચ વિધાનસભા બેઠકોમાંથી મોટી સંખ્યામાં લોકો સભામાં આવ્યા
જામકંડોરણા ખાતેની સભામાં કુલ 1000 જેટલી બસ, 1000 જેટલી ટ્રક, આઇસર અને ટ્રેક્ટર જેવાં ખુલ્લાં વાહનો તેમજ 3000થી વધારે ફોર-વ્હીલર વાહનોમાં રાજકોટ જિલ્લાની કુલ 5 વિધાનસભા એટલે કે રાજકોટ ગ્રામ્ય, ગોંડલ, જેતપુર, ધોરાજી અને જસદણ વિસ્તારમાંથી દોઢ લાખ જનમેદની એકઠી કરવામાં આવશે. આ માટે 400 વીઘા જેટલી જગ્યામાં અલગ અલગ 8 જેટલાં સ્થળો પર પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
એક લાખથી વધુ લોકોએ માણ્યો મોહનથાળ, ગાંઠિયા, બે શાક, દાળ ભાત, રોટલી, પુરીનો જમણવાર
સભા બાદ દોઢ લાખ લોકો જમી શકે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે, દોઢ લાખ લોકોનાં શક્તિપ્રદર્શન સાથે જમણવાર થયો છે. આ માટે ઘીના 250 ડબ્બામાંથી 18 ટન મોહનથાળ બનાવવાની બે દિવસથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. મહિલાઓ અને પુરુષો માટે અલગ ભોજન વ્યવસ્થા કરી 200 જેટલાં કાઉન્ટર પર ભોજન વ્યવસ્થા ગોઠવામાં આવી છે. ભોજનમાં ચોખ્ખા ઘીનો બનેલો મોહનથાળ, ગાંઠિયા, બે શાક, દાળ ભાત, રોટલી, પૂરી, છાશ, સલાડ બનાવવામાં આવ્યા હતા. આ દોઢ લાખ લોકોનું જમવાનું તૈયાર કરવામાં કુલ 250 ડબ્બા શુદ્ધ ઘીમાંથી 18 ટન મોહનથાળ તૈયાર કરવામાં આવ્યો છે જ્યારે 6 ટન ગાંઠિયા અને 13 ટન રોટલી બનાવવામાં આવી હતી. સાથે જ 4 ટેન્કર છાશ અને લાખો લિટર પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
વડાપ્રધાનના હસ્તે સાંજે અમદાવાદ સિવિલમાં 712 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત
હૃદયની અદ્યતન સારવાર માટે 54 કરોડના આધુનિક મશીનો અને વિશ્ર્વસ્તરીય સુવિધાઓ તેમજ 71 કરોડના ખર્ચે નિર્મિત નવી હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ
વડાપ્રધાન મોદીની અમદાવાદ મુલાકાત દરમિયાન તેઓના હસ્તે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 712 કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં 71 કરોડના ખર્ચે નિર્મિત નવી હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 10 માળની આ હોસ્ટેલમાં 2 બેઝમેન્ટ અને 176 રૂમ અને સેન્ટ્રલ લાયબ્રેરી વિથ મ્યૂઝિયમ છે. તે સિવાય હૃદયની અદ્યતન સારવાર માટે 54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ કરાયું છે. તેમાં હૃદય અને ફેફસાના પ્રત્યારોપણ માટેનું કેન્દ્ર, કૃત્રિમ હૃદય અને ફેફસા તરીકે કામ કરતું મોબાઇલ ઇસીએમઓ, વીએડી, સીઆરઆરટી મશીન, હૃદયની સર્જરીની તાલીમ લેતા તબીબો માટે વર્ચ્યુઅલ સિમ્યુલેશન કાર્ડીયાક કેથ લેબ, રોબોટિક કાર્ડિયાક સર્જરી સિસ્ટમ,મીનીમલ ઇન્વેસીવ કાર્ડિયાક સર્જરી, ટેલી આઈ.સી.સી.યુ. (પેપેર લેસ આઈ.સી.યુ.) કુલ 150 ક્રીટીકલ કાર્ડીયાક બેડ, કોરોનરી ગ્રાફ્ટ -ફ્લોર મેઝરમેન્ટ મીટર, આર.એફ. એબ્લેશન મશીન, હોમોગ્રાફ વાલ્વ બેન્ક, મધર મિલ્ક બેન્ક, સ્લીપ લેબ, કાર્ડિયાક રિહેબિલિટેશન સેન્ટર, અપ ટુ ડે સોફ્ટવેર, 3 ટેસ્લા કાર્ડિયાક એમઆરઆઇ મશીન, બ્લડ સેન્ટર અને 3ડી/4ડી કાર્ડિયાક ઇકો મશીન સહિતની વિશ્વકક્ષાની સુવિધાઓનું લોકાર્પણ કરાયું છે.
140 કરોડના ખર્ચે બનેલી જીસીઆરઇ અને 408 કરોડના ખર્ચે નિર્મિત આઈકેડીઆરસીની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરાશે
અસારવા ખાતે ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝેસ એન્ડ રિસર્ચ સેન્ટરની નવી હોસ્પિટલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામા આવ્યું છે. 408 કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં 850 બેડની સુવિધા છે. તે સિવાય 22 હાઇટેક ઓપરેશન થિયેટર, 12 આઇસીયુ, આધુનિક લેબોરેટરી અને એકસાથે 62 ડાયાલિસીસ કરવાની સુવિધા હશે. તે સિવાય મેડિસીટીમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની 140 કરોડના ખર્ચે બનેલી નવી બિલ્ડિંગ ‘સી’નું લોકાર્પણ કરાયું છે. તેના લીધે જનરલ વોર્ડના બેડની સંખ્યા વધીને 187 થઇ જશે અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ 4થી વધીને 11 થઇ જશે. અહીં લેબોરેટરીમાં નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ મશીનની સુવિધા આપવામાં આવી છે. બિલ્ડિંગમાં લાઇબ્રેરી, 317 સીટીંગ ક્ષમતાનું ઓડિટોરિયમ, ટેલિમેડિસીન રૂમ, બોર્ડ રૂમ તેમજ કેન્ટીન સહિતની સુવિધાઓ મળશે. ગુજરાત રાજ્યના નાગરિકોને અદ્યતન સુવિધાથી સજ્જ સ્વાસ્થ્ય સેવા અહીં મળશે.
દર્દીઓના પરિવારજનો માટે રૈન બસેરાનું ખાતમુહૂર્ત
ગુજરાત અને રાજ્ય બહારથી આવતા ગરીબ દર્દીઓના પરિવારજનોની સુવિધા માટે રૈન બસેરાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યુ છે. 39 કરોડના ખર્ચે 5800 ચોરસ મીટર વિસ્તારમાં આ રૈન બસેરાનું નિર્માણ કરવામાં આવશે.