દોઢ માસ પહેલાં જ એમ.પી.થી પેટીયુ રળવા આવેલા બંને સગા ભાઇ અને મિત્રએ દુષ્કર્મ આચરી માથામાં રાપ ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી
સામુહિક બળાત્કાર અને હત્યાનો બનાવ છુપાવવા મૃતદેહને ઝેર પીવડાવી આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ
મૃતકના પુત્રએ પિતા, મોટા બાપુ અને તેના મિત્ર સામે ગેંગ રેપ અને હત્યાની ફરિયાદ નોંધાવી
અબતક,રાજકોટ
જામકંડોરણા તાલુકાના સોળવદર ગામની પરપ્રાંતિય પરિણીતાનો માથામાં ઇજાગ્રસ્ત હાલતમાં વાડીમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા રાજકોટ મેડિકલ કોલેજમાં ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. મૃતક પર દુષ્કર્મ આચરી હત્યા કર્યાનો તબીબ દ્વારા અભિપ્રાય આપવામાં આવતા પોલીસે મૃતકના પતિ, જેઠ અને તેના મિત્રની સામે ગેંગ રેપ અને હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.મુળ મધ્ય પ્રદેશની વતની અને સોળવદર ગામે ખેત મજુરી અર્થે પતિ અને જેઠ સાથે દોઢેક માસ પહેલાં આવેલી ધલકીબાઇ કિશનભાઇ નામની 50 વર્ષની ભીલ મહિલાની સંજયભાઇ મનસુખભાઇ દેત્રોજાની વાડીમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ હોવાની પોલીસને જાણ થતા જામકંડોરણા પી.એસ.આઇ. આર.એલ.ગોહિલ અને રાઇટર મનજીભાઇ સહિતના સ્ટાફ ઘટના સ્થળે પહોચી ધલકીબેન ભીલની હત્યા કરાયાનું જણાતા પ્રથમ જામકંડોરણા બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા રાજકોટ મેડિકલ કોલેજમાં ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતક ધલકીબેન ભીલ પર બળાત્કાર ગુજારી માથામાં તિક્ષ્ણ હથિયાર મારી હત્યા કર્યા બાદ બનાવને આત્મહત્યામાં ખપાવવા માટે મૃતદેહના મોઢામાં ઝેરી દવા નાખી હોવાનો અભિપ્રાય આપ્યો હતો.મૃતક ધલકીબેનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ પોતાના વતન મધ્ય પ્રદેશ લઇ જવા માટે વાડી માલિક સંજયભાઇ દેત્રોજાને જાણ કરતા તેને જામ કંડોરણા પોલીસને જાણ કરી હતી.
પ્રથમથી જ શંકાસ્પદ જણાતી ઘટનાને પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા મળેલા સમર્થનના આધારે પી.એસ.આઇ. રામદેવસિંહ ગોહિલ સહિતના સ્ટાફે મૃતકના પતિ સહિતના પરિવારને શંકાના દાયરામાં રાખી પૂછપરછ કરતા મૃતકનો પતિ કિશન નારસીંગ બામણીયા, તેનો જેઠ રામસીંગ નારસીંગ બામણીયા અને સોળવદરના મિત્ર રમેશ ઉર્ફે ભોલો માવજી સારીખડાએ એક સંપ કરી ધલકીબેન ભીલના કપડા ફાડી નાખી તેના પર ત્રણેય શખ્સોએ બળાત્કાર ગુજારતા પિડાતા ત્રણેય શખ્સોને ગાળો દેતી હોવાથી કિશન બામણીયાએ પોતાની જ પત્ની ધલકીબેનના માતામાં રાપ મારી દીધી હોવાથી ઢળી પડી હતી જ્યાર તેણીના જેઠે ગળાટૂંપો દીધો અને ગેંગ રેપ અને હત્યાનો ગુનો છુપાવવા ત્રણેય શખ્સોએ ધલકીબેનના મૃતદેહના મોઢામાં ઝેરી દવા પીવડાવવા પ્રયાસ કર્યાની ચોકાવનારી કબુલાત આપતા પોલીસે ત્રણેયની સામુહિક બળાત્કાર અને હત્યાનો ગુનો નોધી ધરપકડ કરી છે.