નશામા ધૂત શખ્સ યુવાન પર પાઇપ વડે તૂટી પડ્યો: છોડાવવા જતા માતાને પણ માર માર્યો
જામજોધપુરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં નશામા ધૂત શખ્સે યુવાનને પાઇપ વડે માર માર્યો હતો. જેને છોડાવવા જતા માતાને પણ માર મારતા બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામજોધપુરમાં રહેતા અને કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા કિશોરભાઈ ડાયાભાઇ મકવાણા (ઉ.વ.34) અને તેમના માતા દેવિબેન ડાયાભાઇ મકવાણા (ઉ.વ.50) પર તેના જ ગામના વિશાલ કમા મકવાણા નામના શખ્સે પાઇપ વડે હુમલો કરતા બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે જાણ થતાં પોલીસ સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ વિશાલ મકવાણા નશાની હાલતમાં ધૂત થઈ કિશોરભાઈના ઘર પાસે ગાળો બોલતો હતો. જેથી વિશાલને ગાળો બોલવાની ના પાડતાં યુવાન પર પાઇપ વડે હુમલો કર્યો હતો. જેને છોડાવવા જતા કિશોરભાઈના માતા દેવીબેન વચ્ચે પડતા તેના પર પણ હુમલો કર્યો હોવાનુ સામે આવ્યું છ. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.