- જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામમાં એક કૂવામાં પડી ગયેલા અજગર નું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું
- ૮૦ ફૂટ ઊંડા કૂવામાં વન વિભાગે એક કલાકથી જહેમત બાદ અજગર નો રેસ્ક્યુ કરી સિદસર પાસે પ્રકૃતિના ખોળે મૂકી દીધો
જામનગર ન્યૂઝ : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામમાં આવેલા એક ખુલ્લા કૂવામાં અજગર પડી ગયો હોવાના અહેવાલ મળતાં જામજોધપુર વન વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને ૮૦ ફૂટ ઊંડા કૂવામાં ઉતરીને અજગરનું રેસક્યુ કરી લીધું હતું, અને પ્રકૃતિના ખોળે મૂકી દીધો છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામમાં એક ખેડૂત ની વાડી માં આજે બપોર દરમિયાન એક ખુલ્લા કૂવામાં અજગર પડી ગયો છે, તેવી માહિતી જામજોધપુર વન વિભાગને મળી હતી. કૂવો ઊંડો ઉતારતી વખતે અજગર તેમાં પડેલો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી જામજોધપુરના વન વિભાગના વનપાલ વાય. કે. જાડેજા, વનપાલ એમ. કે. કરમુર, વનરક્ષક રમેશભાઈ બડીયાવદરા, તથા વનરક્ષક ભગીરથભાઈ વાઢેર કે જેઓ તાબડતોબ હોથીજીખડબા ગામમાં પહોંચી ગયા હતા. જ્યાં ૮૦ ફુટ ઊંડા કૂવામાં દોરડા અને ટ્રોલી વગેરેની મદદ થી નીચે ઉતરીને એકાદ કલાક ની ભારે જહેમત લઈને કુવામાં પડી ગયેલા અજગરને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધો હતો.
અંદાજે સાડા પાંચ થી છ ફૂટ લાંબા અને ૧૫ કિલો વજનના અજગર ને એક પ્લાસ્ટિકના કોથળામાં રેસ્ક્યુ કરીને જામજોધપુરના સિદસર વિસ્તારમાં કે જ્યાં પાણી પર્યાપ્ત માત્રામાં હતું, તે સ્થળે પ્રકૃતિના ખોળે છોડી દીધો હતો, અને રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. જેથી વાડી માલિક સહિતનાઓએ વન વિભાગની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
સાગર સંઘાણી