જંબુસર સમાચાર
ગુજરાત મહિલાઓ માટે સબસલામતની છડી પોકારવામાં આવે છે, પરંતુ રોજબરોજની દુષ્કર્મની ઘટનાઓ કંઇક અલગ જ ચિત્ર રજૂ કરે છે. જંબુસરના કાવીમાં બે મહિલા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. બે મહિલા પર દુષ્કર્મ થયાનો ગુનો નોંધાયાની પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. મહિલાને નશાકારક પદાર્થનું ઇન્જેક્શન આપીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ નશાકારક ઇન્જેક્શન સાથે મહિલાનો વિડીયો વાઇરલ થતાં આ દુષ્કર્મનો પર્દાફાશ થયો હતો.
જંબુસરની કાવી પોલીસે બે મહિલાઓ પર દુષ્કર્મ કરનારા ચાર આરોપીઓની સામે ગુનો નોંધ્યો છે. આમ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે મહિલાઓને આરોપીઓએ ક્યાંથી ઉઠાવી અને તેને ક્યાં લઈ જઈ બળાત્કાર કર્યો તે સમગ્ર ઘટનાક્રમ ચકાસી રહી છે. આ ઉપરાંત બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓની શારીરિક સ્થિતિ ચકાસવા માટે તેઓને તબીબી તપાસ માટે પણ મોકલી આપવામાં આવી છે.
આરોપીઓને આ પ્રકારનું દુષ્કર્મ આચરવામાં કોણે મદદ કરી તે પણ તપાસવામાં આવી રહ્યુ છે. આ ઘટનાનો વિડીયો વાઇરલ થયો હોવાના લીધે સમગ્ર જંબુસરમાં તેની ચર્ચા છે. તેની સાથે આ રીતે શહેરમાં વધતા બળાત્કારના બનાવો પણ ચર્ચાનો વિષય બની ગયા છે. આના પગલે જંબુસર પોલીસ અને વહીવટીતંત્ર પર પણ ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરવાનું દબાણ વધ્યું છે.
સમગ્ર શહેર હાલમાં આ પ્રકારના બળાત્કાર બદલ પોલીસ તંત્રની ગુનેગારો પર જરા પણ ધાક રહી નથી તેમ જણાવી માછલા ધોઈ રહ્યું છે. આ વાત છેક પોલીસ કમિશ્નર જ નહી જિલ્લા પોલીસ વડા સુધી પણ ગઈ છે. કલેક્ટરે પણ મહિલાઓ સાથે આ પ્રકારના દુષ્કર્મ બદલ અફસોસ વ્યક્ત કરીને પીડિત મહિલાઓને વળતર આપવાની ખાતરી આપી છે. તેની સાથે દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાઓનું કાઉન્સેલિંગ પણ શરૂ કરાયું છે. આમ રાજ્યમાં મહિલાઓ પરના અત્યાચારની સાથે મહિલાઓ સામે વધતા જતાં ગુના કાયદાકીયની સાથે સામાજિક રીતે પણ ચિંતાનો વિષય બન્યા છે.
નિખિલ શાહ