ભાવિકોનું કીડીયારૂ સતત ભવનાથ ભણી… બસો-ટ્રેનો ખાનગી વાહનો ભરાયને ભાવિકો સતત ગીરીનગરમાં ઉતરી રહ્યા છે આ વર્ષે મેળાની જનમેદની  વિક્રમ સર્જશે..?

 

જુનાણાનો ભવેહરનો શિવરાત્રી મેળો ભારે જામ્યો છે…. ગિરનાર તળેટીમાં ભવનાથ તરફ લાખો ભાવિકોનો અવિરત પ્રવાહ છેલ્લા ત્રણ દિવસથી આવી રહ્યો છે, એસટી બસ અને ટ્રેન તેમજ ખાનગી વાહનો જોખમી સવારી કરી આવેલા લાખો યાત્રિકોનો પ્રવાહ શિવરાત્રી મેળા તરફ જોવા મળી રહ્યો છે, અને જુનાગઢ શહેરથી ભવનાથ જવા માટેના તમામ રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં શિવભક્તો જ નજરે પડી રહ્યા છે. તો ભવનાથ ક્ષેત્રમાં લાખો ભમિક ઉમટી પડતા હૈયે હૈયુ દળાય તેવી ભવનાથમાં મેદની ચિક્કાર મેદની જામી છે. અને ભવનાથનો શિવરાત્રી મેળો ભારે જામ્યો છે.

ગઈકાલે મેળાના બીજા દિવસે જ સવારથી શિવ ભક્તો લાખોની સંખ્યામાં ભવનાથ મેળા ખાતે પહોંચ્યા હતા. અને જેમ જેમ સાંજ પડી રહી હતી તેમ તેમ ભાવિકોનો ભારે ઘસારો ભવનાથ ક્ષેત્રમાં જોવા મળી રહ્યો હતો. અવિરત ભક્તજનો મેળામાં આવી રહ્યા હોવાથી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે ભરડા વાવ તરફથી આવતા ખાનગી વાહનોને પ્રવેશબંધી કરવી પડી પડી હતી. તો બીજી બાજુ મજેવડી દરવાજાથી ભરડાવાવ અને કાળવા ચોકથી ગિરનાર દરવાજા સુધી વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી. સોનાપુરીથી ભવનાથ સુધીના રસ્તાઓ ઉપર પગપાળા ભાવિકો જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં વાહન ચાલી શકે તેવી જગ્યા પણ રહેવા પામી ન હતી. બીજી બાજુ ભવનાથ મંદિર આસપાસના વિસ્તારમાં પગ મુકવાની ક્યાંય જગ્યા ન હતી. પ્રથમ દિવસે જ એક લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા બાદ ગઈકાલે લગભગ 3 લાખથી વધુ ભાવિકો ભવનાથના મેળામાં પહોંચતા ભવનાથનો મેળો સોળે કડાએ ખીલ્યો હતો.

મહાશિવરાત્રીના મેળામાં આશરે 115 વર્ષથી ધોરાજીના સંત રત્નાબાપાનું અન્નક્ષેત્ર ચાલે છે

મહાશિવરાત્રીના મેળામાં સોરઠ સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ ઉજાગર થાય છે. ખાસ કરીને સેવા અને સદાવ્રતનું આગવું મહત્વ રહેલું છે. અહીંના સાધુ-સંતોએ પણ દુ:ખીયા-ગરીબોની સેવા-ભોજન માટે આહેલક જગાવી હતી. તેને આજે જુદા-જુદા ઉતારા મંડળો આગળ ધપાવી રહ્યા છે. ત્યારે મહાશિવરાત્રીના મેળામાં આશરે 115 વર્ષથી ધોરાજીના સંત રત્ના બાપાની હયાતીથી આજે તેમની ચોથી પેઢીએ પ્રફુલદાસ બાપુ અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે. તેઓ કહે છે કે, આ શિવરાત્રીના મેળાના દીપમાં સેવાના માધ્યમથી દિવેલ પૂરી રહ્યા છીએ. આજે અહીંયા 300 થી વધુ સ્વયંસેવકો અવિરત સેવા આપી રહ્યા છે.

મહાશિવરાત્રીના મેળામાં જટાધારી જોગીઓ

મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં નાગા સાધુ ઉપરાંત વિવિધ પંથ-સંપ્રદાયના સાધુ ભગવાન ભોળાનાથની આરાધના કરવા પહોંચી જાય છે. ત્યારે સાધુ-સંતોના દર્શન અને તેમના સંગને ઘણાં ભાવિકો પોતાનો સૌભાગ્ય માને છે. આ સાધુઓની મસ્તફકીરી અને તેમનો મિજાજ પણ દર્શનીય હોય છે.

આ મેળામાં  એક સાધુને પૂછ્યું કે, મહારાજજી આટલી લાંબી જટા કેમ વધારો છો ? ત્યારે તેમણે પોતાની મસ્તીમાં જવાબ આપ્યો કે, હમ કહા બઢા રહે હૈ, વો કુદરતી અપને આપ બઢતી હૈ. આ જવાબમાં એક માર્મિકતાની સાથે તેમની સાધુતાના રણકો હતો. આ સાધુની સાતેક ફુટ જેટલી લાંબી જટા હતી. બીજા જ એક એવા જોગીને પૂછ્યું કે, કેટલા વર્ષોની આ લાંબી જટા છે ? ત્યારે તેમને કહ્યું કે, યહા કોન ગિનતી કરતા હૈ, કિતને સાલ સે બઢ રહી હૈ !

 

ખાખીને સલામ કરવી પડે: જુનાગઢ શહેરથી ગિરનાર સુધી ઠેર ઠેર પોલીસનો કર્મયોગ

મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોની સુરક્ષા -સલામતી માટે 2500થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત

 

મહાશિવરાત્રીના મેળામાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે ત્યારે આ ભાવિકોની સુરક્ષા-સલામતી જળવાઈ રહે તે માટે જુનાગઢ પોલીસ સજજ છે. કોરોના કાળ પછી વર્ષ 2023 નો શિવરાત્રીનો મેળો એવો મેળો છે કે જ્યાં પ્રથમ દિવસથી જ ભાવીકોનો ઘસારો વધ્યો છે. ત્યારે મેળામાં ઉમટતા ભાવિકોની સુરક્ષા સલામતી માટે ખાસ કરીને પોઈન્ટ આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યાં છે. તેના આધારે પોલીસ બંદોબસ્ત અને જુદી-જુદી ટીમોને ગોઠવી દેવામાં આવી છે .અમાસાજિક તત્વો ને ડામવા, ચોરી બનાવો અટકાવવા અને આવરા તત્વો સામે કાર્યવાહી કરવા રોમીયો સ્કોવ્ડ કાર્યરત છે. આમ, સંપૂર્ણ મેળો શાંતિપૂર્ણ મહોલામાં યોજાઈ તે રીતે જૂનાગઢ પોલીસ કામગીરી કરી રહી છે. મેળા દરમિયાન ટ્રાફિક ન સર્જાય તે માટે બેરિકેટીંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત બિનજરૂરી ભીડ એકઠી ન થાય એટલે કે, ક્રાઉડ મેનેજમેન્ટ માટે પુરતો બંદબસ્ત તૈનાત છે. તેમ ડી.વાય એસ.પી  હિતેશ ધાધલ્યાએ જણાવ્યું હતું.

આઈ.જી.પી. મયંકસિંહ ચાવડા, પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી સર્વ હિતેશ ધાધલ્યા, એ.એસ. પટણી, ડી.વી. કોડિયાતર, સૂરજીત મહેડૂ સુશ્રી કે.ડી. કાપડીયા ઝોન વાઈઝ સતત સુપરવિઝન કરી રહ્યા છે. ઉપરાંત પી.આઈ. એ.એચ. ગોહિલ, જે. એચ. સિંધવ અને ભવનાથ પોલીસ  સ્ટેશનના પી.એસ.આઈ. એચ.સી. ચુડાસમા સહિતના પોલીસ અધિકારીઓ સતત મેળાની ગિતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.મહાશિવરાત્રીના મેળામાં પાંચ ડી.વાય.એસ.પી, 25 પી.આઈ, 110 પીએસઆઈ, 1325 પોલીસકર્મી, 728 હોમગાર્ડસ અને 2 એસ.આર.પી.ની કંપની ફરજ બજાવી રહી છે.

ભવનાથમાં રોમ અને ઇટાલીના સાધુઓએ ધુણા ધખાવ્યા

જગવિખ્યાત બનેલ ભવનાથના મેળામાં આ વર્ષે સમગ્ર ભારત વર્ષમાંથી તો સંતો, મહંતો અને નાગા સાધુઓ મોટી સંખ્યામાં આવ્યા છે, તેમની સાથે ઇટાલી અને રોમના સાધકો પણ અહીં ભવનાથ ખાતે પહોંચ્યા છે. અને ધુણો લગાવ્યો છે. તે સાથે અનેક વિદેશી લોકો આ મેળાથી પ્રભાવિત થઈ ભવનાથ ખાતે પહોંચ્યા છે. અને ભક્તિ, ભોજન અને ભજનમાં તલ્લીન બન્યા છે.ભવનાથ મંદિરની પાછળ આવેલા વિસ્તારમાં રશિયાના સાધવી અન્નપૂર્ણા ગિરિજી મહારાજે ધુણો લગાવ્યો છે. આ સાથે મૂળ ઇટાલીના રોમ શહેરના નાગરિક અને છેલ્લા ચાર વર્ષથી સનાતન ધર્મ અપનાવી સાધુ બનેલા શિવાની ભારતી અને અમર ભારતી એ પણ ભવનાથ ક્ષેત્રમાં ધૂનો લગાવ્યો છે. અબ તક સાથેની મુલાકાતમાં રશિયાના સાધ્વી અન્નપૂર્ણાગીરીજી મહારાજે જણાવ્યું હતું કે, મનની શાંતિ માટે ભજન અને અને આત્માની શાંતિ માટે ભક્તિ જરૂરી છે સનાતન ધર્મ સર્વ શ્રેષ્ઠ છે અને દરેક લોકોએ ભક્તિ અને ભજન કરવું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.