ચરેલનો યુવક ચારિત્ર્ય સર્ટી. લેવા ગયા ને માર મારતા ક્ષત્રિય સમાજની આંદોલનની ચીમકીથી જિલ્લા પોલીસવડાએ લીધુ પગલું
જામકંડોરણાના ચરેલ ગામના યુવક પર અમાનુષી ત્રાસ ગુજારનાર જામકંડોરણાના પીએસઆઈ ચૌહાણ સામે ક્ષત્રિય સમાજની રજૂઆત અને આંદોલનની ચીમકીને પગલે જિલ્લા પોલીસવડાએ તાત્કાલીક અસરથી બદલી કરી તેને લીવ રીઝર્વ વિભાગમાં મૂકી દીધા હતા.
ચરેલ ગામના યુવક હરપાલસિંહ વાળાને આર્મીમાં ભરતી માટે ચરિત્ર સર્ટિફિકેટ માટે જામકંડોરણા પોલીસ મથકે પહોંચ્યા હતા અને સર્ટિફિકેટ માટે અરજી કરી હતી, પરંતુ તેને પ્રમાણપત્ર આપવાને બદલે સત્તાના મદમાં પ્રોબેશનર પીએસઆઈ વી.બી.ચૌહાણે યુવક સાથે ઝઘડો કરી તેને માર માર્યો હતો. સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા અમાનુષી ત્રાસ ફેલાવનાર ફોજદાર સામે રોષ ભભૂકી ઉઠયો હતો.
આ ઘટનાને કરણી સેનાએ જવાબદાર પીએસઆઈ સામે કડક પગલાની માગ સાથે રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણાને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રાજકોટ જિલ્લા રાજપુત સમાજ મંગળવાર સુધીમાં પગલા લેવાની માંગ કરી હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસવડા મીણાએ મંગળવારે જામકંડોરણાના વિવાદાસ્પદ પીએસઆઈ ચૌહાણને લિવ રીઝર્વમાં મૂકી પીએસઆઈ ગોયલની નિમણૂંક કરી છે.