- મહારાજ શત્રુશૈલ્યસિંહજીએ પત્ર મારફત ગાદીપતિ અંગે ઐતિહાસિક નિર્ણય કર્યો જાહેર
અબતક, જામનગર
સૌરાષ્ટ્રના સૌથી મોટા નવાનગર સ્ટેટના ઉતરાધિકારીનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ દશેરાની શુભેચ્છા સાથે નવા સમાચાર આપ્યા છે. રાજ પરિવારે મોટો ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે જામ સાહેબ એટલે કે નવાનગર સ્ટેટના વારસદાર તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર અજયસિંહ જાડેજાની જાહેરાત કરી છે. વર્ષ 1540માં નવાનગર સ્ટેટની સ્થાપના જામ રાવલજી લાખાજીએ કરી હતી. હવે નવાનગર સ્ટેટના 21માં જામ સાહેબ તરીકે અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ ખેલાડી રહી ચૂક્યા છે. દશેરાની શુભેચ્છા પાઠવી પત્રથી વારસદારની જાહેરાત કરવામાં આવી છે. હવે રાજવી પરિવારનો વારસો અજય જાડેજા સંભાળશે.
રાજવી પરિવારનો બહુ મોટો ઐતિહાસિક નિર્ણય જાહેર કરતાં જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજે વિજયાદશમીની પૂર્વ સંધ્યાએ વારસદાર તરીકે અજયસિંહજી જાડેજાની જાહેરાત કરી છે. જામ રાજવી શત્રુશલ્યસિંહજીએ કહ્યું કે, અજય પણ જામનગરની વહાલસોયા જનતાનું ખૂબ ધ્યાન રાખશે. દશેરાનો દિવસ એ દિવસ માનવામાં આવે છે કે, પાંડવોએ 14 વર્ષ પોતાના અસ્તિત્વને છુપાવી સફળતાપૂર્વક પૂર્ણ કરીને વિજય મેળવ્યો હતો. આજે દશેરાના દિવસે મને પણ તેવો જ આનંદ થાય છે. કારણ કે, મને એક મારી મુંજવણમાંથી ઉકેલ મળ્યો છે અને તેની સફળતા આપનાર અજય જાડેજા છે, જેમણે મારા વારસદાર થવાનું સ્વીકાર્યું છે. અજય જાડેજા જામનગરની પ્રજાની સેવાની જવાબદારી ઉઠાવે તે જામનગરની પ્રજા માટે ખરેખર વરદાનરૂપ છે.
મહત્વનું છે કે, 585 વર્ષ પૂર્વે જામ રાજવી જામ રાવળે કચ્છથી આવી જામનગરની સ્થાપના કરી હતી. અજય જાડેજાના પિતા દોલતસિંહ જામનગરના સાંસદ રહી ચૂક્યા છે.
જામ સાહેબનો ઇતિહાસ
જામ સાહેબએ નવાનગરના શાસકનું બિરુદ છે જે હવે ગુજરાતમાં જામનગર છે. જામસાહેબ રાજપૂતોના જામ જાડેજા કુળના હતા. જામ રાવલજી 1540માં નવાનગરના પ્રથમ જામ સાહેબ હતા. તેમણે કચ્છમાંથી સ્થળાંતર કરીને હાલાર પ્રદેશમાં નવાનગરની સ્થાપના કરી હતી. તેમાં 999 ગામોનો સમાવેશ થાય છે. હાલના જામસાહેબ શત્રુશૈલ્યસિંહજી ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે અને નવાનગરના મહારાજાનું બિરુદ ધરાવનાર છેલ્લા વ્યક્તિ છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી 1972 સુધી શત્રુસલ્યસિંહજી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વડા હતા. તેમણે 1958-59ની સિઝનમાં બોમ્બે સામે સૌરાષ્ટ્ર તરફથી રમતા પ્રથમ-વર્ગમાં પ્રવેશ કર્યો હતો. તેણે 1959-60માં સૌરાષ્ટ્ર માટે ત્રણ, 1961-62માં ચાર અને 1962-63માં ચાર મેચ રમી હતી. શત્રુશલ્યસિંહજીએ 1966-67માં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની કપ્તાની કરી હતી, જે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની અંતિમ સિઝન હતી. તેમણે મોઇન-ઉદ-દૌલા ગોલ્ડ કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતીય સ્ટારલેટ્સની કેપ્ટનશિપ કરી હતી.
શત્રુશૈલ્યસિંહજી અને અજય જાડેજા વચ્ચે શું સંબંધ
જામ શત્રુશૈલ્યસિંહજીના પિતા જામ દિગ્વિજયસિંહના ભાઈ પ્રતાપસિંહ હતા. પ્રતાપસિંહના ચાર પુત્રો દોલતસિંહ, દલપતસિંહ, છત્રપાલસિંહ, સુખદેવસિંહ હતા. જે પૈકી દોલતસિંહના પુત્ર અજયસિંહ જાડેજા છે જેમના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે, જામ શત્રુશૈલ્યસિંહજી પોતે અપરિણીત હોવાથી તેમણે પોતાના પિતરાઈ ભાઈના પુત્ર અજયસિંહ જાડેજાને પોતાના વારસદાર જાહેર કર્યા છે.