રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ગુરુવારના રોજથી 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. બુધવારના રોજ સ્કૂલોમાં દિવાળી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓએ સેલિબ્રેશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને હવે ગુરુવારથી વેકેશનનો પ્રારંભ થઈ રહ્યો હોવાથી વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
30 નવેમ્બરથી રાજ્યની સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે: બીજા શૈક્ષણિક સત્રમાં અભ્યાસના 127 દિવસ રહેશે
9 નવેમ્બરથી શરૂ થનારૂ દિવાળી વેકેશન 29 નવેમ્બર સુધી રહેશે. ત્યારબાદ 30 નવેમ્બરથી રાજ્યની સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યની સ્કૂલોમાં 5 જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો હતો. જેમાં ઓક્ટોબર માસની શરૂઆતમાં જ પ્રથમ સત્રાંત કસોટી લેવામાં આવી હતી.
જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં 26 ઓક્ટોબરના રોજ પ્રથમ સત્રાંત કસોટી લેવાઈ હતી. આ કસોટી 4 નવેમ્બરના રોજ પૂર્ણ થયા બાદ સ્કૂલોમાં વેકેશનનો માહોલ છવાયો હતો. જોકે, હવે બુધવારના રોજ સ્કૂલોમાં અભ્યાસનો છેલ્લો દિવસ હતો અને ગુરુવારથી રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં દિવાળી વેકેશનનો સત્તાવાર રીતે પ્રારંભ થશે. આ દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે અને 29 નવેમ્બર સુધી ચાલશે.રાજ્યમાં દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ 30 નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. બીજા શૈક્ષણિક સત્રમાં અભ્યાસના 127 દિવસ રહેશે. બીજું શૈક્ષણિક સત્ર 5 મે સુધી ચાલશે.