તહેવારોને અનુલક્ષીને પાર્ક ફુલ ટાઇમ ખુલ્લો રખાશે

રાજકોટ શહેરની પ્રજા ઉત્સવપ્રીય ગણાય છે. તેમાં પણ સાતમ-આઠમની રજાઓમાં હરવા ફરવાની જગ્યાઓ પર માનવ મહેરામણ બની ઉમટી પડે છે. રાજકોટના ફરવા લાયક સ્થળોમાં મુખ્યત્વે આજી ડેમ લાલપરી તળાવ, પ્રધ્યુમન પાર્ક ઝુ ખાતે તથા સૌથી વધારે માનવ મેદની ઈશ્ર્વરીયા મહાદેવ મંદિર અને ઈશ્ર્વરીયા પાર્ક ખાતે ઉમટી પડે છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા રાજકોટના શહેરીજનોના આનંદ ઉત્સાહને બેવડો કરવા માટે તહેવારોના તમામ દિવસોમાં ઈશ્ર્વરીયા પાર્ક આખો દિવસ ખૂલ્લો રાખવામાં આવશે. રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ માધાપર ગામ નજીક ઈશ્ર્વરીયા મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં ભાવિકો ઉમટી પડતા હોય છે.  આજ મંદિરની સાનિધ્યમાં આવેલ ખાલી જગ્યામાં સરકારી તંત્ર દ્વારા ઈશ્ર્વરીયા પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતુ, જેનો લાભ હાલ રાજકોટ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય લોકો ઉઠાવી રહ્યા છે. પાર્કમાં કુત્રીમ તળાવ બનાવી બોટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અને એક ડાયનોસોર પાર્ક બનાવી ડાયનોસોરની અલગ અલગ પ્રજાતીના સ્ટેચ્યુ મુકી બાળકોને આનંદ આવે તેવી સુવિધા કરવામાં આવી છે. ઈશ્ર્વરીયા પાર્ક સામાન્ય દિવસોમાં બપોરે ૩ વાગ્યાથી રાત્રીનાં ૮ વાગ્યા સુધી ખૂલ્લો રાખવામાં આવે છે. અને રવિવારે પાર્કનો સમય સવારે ૧૦ થી રાત્રીનાં ૮ વાગ્યા સુધીનો હોય છે. પરંતુ જન્માષ્ટમીના તહેવારોમાં ઉત્સવ ઘેલી પ્રજા આ બધી મજા વધુ માણી શકે માટે તંત્ર દ્વારા ઈશ્ર્વરીયા પાર્ક તા. ૧૩ ઓગષ્ટથી તા.૧૭ ઓગષ્ટ સુધી સવારના ૯ થી રાત્રીનાં ૯ સુધી ખુલ્લો રાખવાનો નિર્ણય સતાધીશો દ્વારા લેવામાં આવ્યો છે.આ તમામ દિવસોમાં ઈશ્ર્વરીયા પાર્કનો તમામ સ્ટાફ ખડેપગે રહી લોકોને કોઈ અસગવડ ન પડે તેનું ધ્યાન રાખશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.