- નશામાં ધૂત કાર ચાલકે આધેડને પાછળથી ટક્કર મારી મોતના મુખમાં ધકેલી દીધાનો બનાવ
- વહેલી સવારે પાછળથી ટક્કર મારી બાઈક અડધો કિલોમીટર સુધી ઢસડી ગયાં ઘટના બની
અબતક, રાજકોટ ન્યૂઝ : રાજકોટમાં વહેલી સવારે નશામાં ધૂત કાર ચાલકે આધેડને પાછળથી ટક્કર મારી મોતના મુખમાં ધકેલી દીધાનો બનાવ સામે આવ્યો છે. શહેરના રામાપીર ચોકડી ઓવરબ્રિજ પર બનેલી આ ઘટનામાં બેફામ કાર ચાલક મૃતકના બાઈકને અડધો કિલોમીટર સુધી ઢસડી ગયો હતો. ઘટનાની જાણ થતાં ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયાં હતા. હાલ કારચાલક સહીત બે શખ્સોની અટકાયત કરી મેડિકલ રિપોર્ટ અર્થે મોકલી આપવામાં આવ્યા છે અને પોલીસે સાપરાધ મનુષ્ય વધની કલમો હેઠળ ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટમાં નશાની હાલતમાં બેફામ કાર ચલાવનારે એક નિર્દોષ બાઇક ચાલકનો ભોગ લીધો છે. રામાપીર ચોક ઓવરબ્રિજ પાસે બેફામ કારચાલકે એક બાઇકચાલકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે બાઇક ચાલકનું બાઇક અડધો કિલોમીટર સુધી ફંગોળાયું હતુ. કારમાં સવાર બે શખ્શોને પોલીસે ઝડપી લીધા છે.પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટમાં વહેલી સવારે રામાપીર ચોક ઓવરબ્રિજ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. નશાની હાલતમાં બેફામ કારચાલકે બાઇક ચાલકને ટક્કર લગાવી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલકનું બાઇક અડધો કિલોમીટર સુધી ફંગોળાયું હતુ. બાઇકને ટક્કર લાગ્યા બાદ કાર બ્રિજ ઉતરી ગઇ હતી અને ડિવાઇડર સાથે અથડાઇ હતી.
અકસ્માતની ઘટનાની જાણ થતા જ ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈ, એસીપી રાધિકા ભારાઈ સહિતના ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જે પછી કારચાલક બે શખ્સોને નશાની હાલતમાં પોલીસે પકડી પાડ્યા હતા. કારમાં સવાર વ્યક્તિ અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાય હોવાનું સામે આવ્યુ છે. ઉલ્લેખનીય બાબત છે કે, કાર ચાલક અનંત ગજ્જર રાજકોટની ભાગોળે આવેલી એક જીઆઈડીસીમાં પોતાનું કારખાનું ચલાવે છે.
મૃતકનું નામ કિરીટ પોંદા (ઉ.વ. 54)હોવાની માહિતી મળી છે. મૃતક વ્યક્તિ રાજકોટના લોધાવડ વિસ્તારમાં સેન્ડવીચની લારી ચલાવતા હતા અને રાત્રે કામ બંધ કર્યા બાદ અયોધ્યા ચોક સ્થિત રાધે રેસીડેન્સી-2માં આવેલા પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા. તે દરમિયાન સવારના આશરે 4:30 વાગ્યાં આસપાસ બાઇક ચાલકને નશામાં ધૂત કાર ચાલકે અડફેટે લીધો હતો.પોલીસે હાલ તો બંને આરોપીને ઝડપી લીધા છે. પ્રાથમિક અહેવાલ અનુસાર કાર ચાલક અને તેનો મિત્ર નશાની હાલતમાં હતા. બંનેને મેડિકલ ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મળ્યા અનુસાર આઈપીસીની કલમ 304 અંતર્ગત સાપરાધ માનવવધનો ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. બંને આરોપીઓની પુછપરછ હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ ગાંધીગ્રામ પોલીસ કરી રહી છે.
આજે દીકરીને મુંબઈ મુકવા જવાના હતા બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
મૃતક કિરીટભાઈ પોન્દા વહેલી સવારે લોધાવાડ ચોકમાં આવેલી જલારામ સેન્ડવિચ નામની દુકાન વધાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. સવારે સાડા ચાર વાગ્યાં આસપાસ રામાપીર ચોકડી ઓવરબ્રિજ પર બેફામ કારચાલકે અડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. અકસ્માતમાં મોત થતાં બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઉલ્લેખનીય બાબત છે કે, મૃતકની પુત્રીને મુંબઈમાં નોકરી મળી હોય આજે દીકરીને મુંબઈ મુકવા જવાનાં હતા.
બેફામ બનેલી કારમાંથી દારૂની બોટલ મળી આવી
રામાપીર ચોકડી ઓવરબ્રિજ પર બનેલી ઘટનામાં કાર ચાલક અનંત ગજ્જર અને તેનો મિત્ર દેવેન્દ્ર ઉપાધ્યાય નશાની હાલતમાં હોવાનો પ્રાથમિક અહેવાલ છે. જેની ખરાઈ કરવા પોલીસે બંનેને મેડિકલ ટેસ્ટ અર્થે મોકલી દીધા છે. પોલીસ વર્તુળોના જણાવ્યા અનુસાર જીજે-03-એલએમ-1990 નંબરની ફોક્સવેગન કારની જડતી કરતા એક દારૂની બોટલ પણ મળી આવી છે. જેથી ફલિત થાય છે કે, નશામાં ધૂત થઇ અકસ્માત સર્જી એક નિર્દોષનો જીવ લઇ લેવામાં આવ્યો છે.