જયાં રોટીનો ટુકડો, ત્યાં હરિ ઢુંકડો
ઘ્વજારોહણ, શોભાયાત્રા, મહાઆરતી, અન્નકુટ, ભજનસંઘ્યા, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો: જલારામ મંદિરોમાં રોશનીના ઝળહળા: રઘુવંશીઓ મહોત્સવ ઉજવવા આતુર: તૈયારીઓને આખરીઓપ
જવલંત જયોત જગત કલ્યાણી જલીયાણ-જીવન એવું જીવી ગયા ભજન અને ભોજનની સુગંધીથી ભરી ગયા. જયા રોટીનો ટુકડો ત્યાં હરી ઢુકડો જેવા માનવતાના મહામુલા મંત્ર સ્નેહ, સેવા અને સમર્પણી એવા અબાલ વૃદ્ધોના હૈયાના સિહાસને બિરાજમાન જલારામ બાપાનું પ્રાગટય સવંત ૧૮૫૬ના કારતક સુદ સાતમના સોમવારે તા.૪/૧૧/૧૭૯૯ના વિરપુર ગામે માતા રાજબાઈના કુખે જન્મેલા આપણા રઘુવંશી સંત શીરોમણી પરમ પૂજય જલારામબાપાની આગામી ૨૧૯મી જન્મજયંતી કારતક સુદ સાતમ તા.૧૪/૧૧ના બુધવારના રોજ દેશ સાથે પરદેશમાં પણ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. સૌરાષ્ટ્રના સંતોની ભૂમીમાં દર વર્ષની માફક આ વર્ષે પણ બાપાની જન્મજયંતી ઠેર-ઠેર ઉજવાશે.
ધોરાજી
ધોરાજી ખાતે જલારામ જયંતી નિમિતે જલારામબાપાની જયંતી નિમિતે વિશાળ શોભાયાત્રા નિકળશે. ઢોલ-નગારા અને ડી.જે.ના સથવારે શોભાયાત્રા ધોરાજીના વિવિધ માર્ગો પર ફરશે. આવતીકાલે સવારે ૮:૦૦ કલાકે પૂ.બાપાની પુજા-અર્ચના કરાશે અને જુનાગઢ રોડ ધોરાજી ખાતે સાંજે ૭ કલાકે અન્નકુટના દર્શન અને જલારામ મંદિર ખાતે સાંજે ૭ કલાકે મહાઆરતી યોજાશે. રાત્રે સંગીત સંઘ્યા જેમાં સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો પોતાની કલા પીરસશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના પ્રમુખ રમેશભાઈ કાછેલા, અતુલભાઈ સાતા, નિતીનભાઈ નથવાણી, રમેશભાઈ રાજા, બકુલભાઈ કોટક, હરસુખભાઈ ગઢીયા, વિનુભાઈ ગઢીયા સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહેલ છે.
દ્વારકા
દ્વારકા ખાતે જલારામ સેવા સમિતિ આયોજિત સૌરાષ્ટ્રના સંતશિરોમણી પૂ.જલારામબાપાની ૨૧૯મી જન્મજયંતિની આવતીકાલે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં દ્વારકાના જલારામ મંદિરે સવારે ૯:૦૦ વાગ્યે પૂજા અભિષેક અર્ચન કરવામાં આવશે.
સવારે ૧૦:૦૦ વાગ્યે ઘ્વજાજીનું પુજન કરાશે. તેમજ આરોહણ કરવામાં આવશે. સાંજે ૪:૦૦ વાગ્યે જલારામ મંદિરે મહાઆરતી યોજાશે. સાંજે ૫:૦૦ કલાકે શોભાયાત્રા તેમજ અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ.જલારામબાપાની શોભાયાત્રા સાંજે ૫:૦૦ કલાકે જલારામ મંદિરેથી નિકળશે જે દ્વારકાના રાજમાર્ગો પર ફરી લોહાણા મહાજનવાડી ખાતે સંપન્ન થશે.
જયાં સાંજે ૭:૦૦ વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન સ્થાનીય વિસ્તારના સૌ રઘુવંશી ભાઈ-બહેનો માટે યોજાનાર છે. આયોજકો દ્વારા તમામ રઘુવંશી ભાઈ-બહેનોને તમામ ધાર્મિક પ્રસંગનો તેમજ મહાપ્રસાદનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
ઓખા
ઓખા રઘુવંશી સેવા સમિતિ દ્વારા સંત શિરોમણી જલાબાપાની જન્મજયંતી ઉજવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત આજે રઘુવંશી મહિલા મંડળ દ્વારા ભજન સંઘ્યાનું આયોજન કરેલ છે. જલારામબાપાના અન્નકોટ દર્શન રાખેલ છે. જેમાં જ્ઞાતીજનોને ઈચ્છા અનુસાર અલગ અલગ વાનગીઓ ધરવાની રહેશે.
ત્યારબાદ દરીયાકાંઠે આવેલ વ્યોમાણી માતાના મંદિર સાંનિઘ્યમાં નિમિતે જલારામબાપાના મંદિરે તથા અન્ય સર્વે મંદિરોના શિખરો પર નુતન ઘ્વજારોહણ કરવાનું જેની પુજાવિધિ લોહાણા મહાજનવાડી ખાતે સોમવારે બપોરે ૩:૦૦ વાગ્યે રાખેલ છે. ત્યારબાદ સર્વે જ્ઞાતીજનો ઘ્વજાજી તથા બાપાની શોભાયાત્રા મહાજનવાડીથી શરૂ કરી વ્યોમાણી માતા મંદિરે પહોંચશે.
ત્યાં નુતન ઘ્વજારોહણ કર્યા બાદ શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગેથી નવી બજાર થઈ લોહાણા મહાજનવાડીએ પરત આવશે. ત્યારબાદ સર્વે જ્ઞાતીજનો મહાઆરતી સાથે મળી સમુહ આરતી ઉતારશે. ત્યારબાદ સર્વે જ્ઞાતીજનો એક પંગતે સમુહ પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરોકત શુભ પ્રસંગોએ સ્નેહ, શ્રદ્ધા, ભકિતભાવ પૂર્વક ઉજવવા સૌ રઘુવંશી પરીવારોને પધારવા રઘુવંશી સેવા સમિતિ ઓખા દ્વારા જાહેર અનુરોધ છે.