જલારામ મંદિરે રોશની, શણગાર ઉતારી લેવાયા: શોભાયાત્રા, મહાપ્રસાદ સહીતના તમામ ધામકિ કાર્યક્રમો રદ: મૃતકોના આત્માની શાંતિ માટે ઠેર-ઠેર શ્રઘ્ધાંજલી સભા
સંત શિરોમણી પૂ. જલારામ બાપાની આજે રર3મી જન્મ જયંતિ છે. સૌરાષ્ટ્રમાં દર વર્ષ જલારામ જયંતિ ની ભકિતસભર ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. દરમિયાન મોરબીમાં ગઇકાલે સાંજે ઝુલતો પુલ ધરાશાયી થવાની દુ:ખદ ઘટનામાં 141 લોકોના કરુણ મોત નિપજયા હતા. જેનાથી દેશભરમાં શોકનું મોજુ ફેલાઇ ગયું છે. આજે વિરપુર સહિત સૌરાષ્ટ્રભરમાં જલારામ જયંતિની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. કમનસીબજેવી ઘટનામાં મોતને ભેટેલા હતભાગીઓને શ્રઘ્ધાંજલી અર્પવા ગામે ગામે શ્રઘ્ધાંજલી સભા યોજાઇ હતી.
આજે જલારામ બાપાની રર3મી જન્મ જયંતિ નિમિતે વિરપુરમાં જલારામ બાપાના મંદિરે વિશેષ રોશની સાથે શણગાર કરવામાં આવ્યો હતો. મોરબી દુધર્ટના બાદ જલારામ બાપાની જગ્યાએથી તમામ રોશની તથા શણગાર ઉતારી લેવામાં આવી હતી. કોઇપણ પ્રકારની ઉજવણી કરવામાં આવશે નહીં. શોભાયાત્રા પણ રદ કરવામાં આવી છે. વિરપુરની જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂ. રઘુરામ બાપા દ્વારા ભાવિકોને અપીલ કરવામાં આવી છે કે આજે કેક કટીંગ કરી ઉજવણી કરવી નહી, ફલોટસ પણ તૈયાર કરવા નહીં.
રાજકોટમાં આજે લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા જલારામ જયંતિના પાવન અવસરે વિશાળ શોભાયાત્રા તથા રેસકોર્સ ખાતે સર્વ જ્ઞાતિય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જે રદ કરવામાં આવ્યા છે. આજે વિરપુર અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જલારામ જયંતિની સાદાઇથી ઉજવણી કરવામાં આવી છે.