રાજકોટ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટના તહેવારને લઇ બેકરીમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અલગ-અલગ 6 બેકરીઓમાં ચેકીંગ દરમિયાન કેકના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
વિવિધ ફ્લેવરની કેકના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સિંધી કોલોની મેઇન રોડ પર 5/9 ગાયકવાડી કોર્નર પર આવેલી જલારામ બેકર્સમાંથી લૂઝ ચોકો ફોરેસ્ટ કેક અને લૂઝ મલાઇ પિસ્તા કેકના સેમ્પલ, ભાવનગર રોડ પર નાગરિક બેંક પાસે બેડીપરા ડિલક્સ ચોકમાં ઇઝી બેકરીમાંથી લૂઝ જર્મન ચોકલેટ કેક, મોરબી રોડ પર 50 ફૂટ રોડ પર આવેલા આર.કે.બંગ્લોઝની પાછળ પ્રતિક બેકરીમાંથી લૂઝ ચોકલેટ કેક, નવા જકાતનાકા પાસે સતનામ સોસાયટીમાં આવેલી કૈશવ બેકરીમાંથી લૂઝ બ્લેક ફોરેસ્ટ કેક, રૈયા રોડ પર રામનગર-1માં આસ્થા બેકરીમાંથી લૂઝ ચોકલેટ ટ્રફલ કેક અને હનુમાન મઢી ચોક પાસે કૌશર બેકરીમાંથી લૂઝ સ્ટ્રોબેરી કેકના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
જીવરાજ પાર્ક વિસ્તારમાં ખાણીપીણીની 23 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઘનશ્યામ ડેરી ફાર્મ, અતુલ આઇસ્ક્રીમ, ધ ટી હાઉસ, પટેલ જનરલ સ્ટોર્સ, સુરતી ફેમસ ખાવસાપુરી, પટેલ અમેરિકન મકાઇ, પટેલ ખમણ પાત્રા, પટેલ ફરસાણ, બજરંગ પ્રોવિઝન સ્ટોર્સ અને શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોર્સને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં
આવી હતી.
જંગલેશ્વરમાં નોનવેજના હાટડામાં ચેકીંગ
શહેરના જંગશ્વર વિસ્તારમાં ગોકુલનગર અને પટેલ સોસાયટી પાસેના કોમન પ્લોટ આસપાસ નોનવેજનું વેંચાણ કરતા પાંચ રેંકડીધારકોને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તમામને ફૂડ લાયસન્સ મેળવવા અથવા રજીસ્ટ્રેશન કરાવી લેવા તથા હાઇજેનીંગ ક્ધડીશનની જાળવણી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. શૈરાબી કબાબમાંથી ચાર કિલો વાસી અને અખાદ્ય ચીકનનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ઇલેવન એગ્ઝ, મિલન સ્વીટ માર્ટ અને એ-વન બિરીયાનીને નોટિસ આપવામાં આવી હતી.