જલારામબાપાનું જીવન ચરીત્ર સંગીતમય રીતે કથા દ્વારા તેમના જન્મ, પ્રાગટય મહોત્સવ અને ભગવાનરૂપે આવેલા સાધુની કથાનું રસપાન કરાવાશે
વેરાવળ લોહાણા બોર્ડીંગમાં સૌપ્રથમવાર જલ્યાણ ગ્રુપ દ્વારા જલારામ બાપાના જન્મથી લઈ અંતિમ સમય સુધીની કથા, પરચા આપતો ત્રણ દિવસના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયેલ છે. જલ્યાણ ગ્રુપના દિપક કકકડે જણાવેલ હતું કે, ૨૮ વર્ષથી શ્રીમદ ભાગવત, રામાયણ, દેવી ભાગવત, શિવપુરાણ, ગૌકથાનું રસપાન કરાવતા મહિલા કથાકાર મીરાબેન ભટ્ટ દ્વારા વેરાવળ લોહાણા બોર્ડીંગમાં તા.૧૧/૧ થી ૧૩/૧ સુધી ૩ દિવસ ભોજલરામ બાપાના શિષ્ય સંત શીરોમણી જલારામ બાપાનું જીવન ચરીત્ર સંગીતમય રીતે કથા દ્વારા તેમના જન્મ, પ્રાગટય મહોત્સવ, લગ્નજીવન તેમજ ભગવાનરૂપે આવેલા સાધુની કથા તેમજ દેશ-વિદેશમાં થયેલા પરચાઓનું રસપાન કરાવશે.
ત્રણ દિવસ સુધી રાત્રે ૯ થી ૧૨ સુધી ફકત લોહાણા સમાજ માટે સંગીતમય શૈલીમાં ચાલનાર આ કથામાં મીરાબેન ભટ્ટ દ્વારા અત્યારસુધી જલારામ બાપાની અનેક જીવનની વાતો જે પ્રગટ થયેલ ન હોય તે સમાજમાં કહેશે તેમજ પ્રાગટય મહોત્સવ હજારો શ્રોતાજનોની હાજરીમાં ભવ્ય રીતે ઉજવાશે. તેમજ પુ. જલારામ બાપાના વિરબાઈ માં સાથે લગ્ન થયેલ તે કાર્યક્રમ હજારો શ્રોતાજનોને જિંદગીનો યાદગાર રહી જાય તે માટે સાંજી તેમજ છપ્પનભોગનું આયોજન કરવામાં આવશે. જલારામ બાપાને ત્યાં સાધુ વેશે પધારેલા ભગવાનનું વર્ણન કરવામાં આવશે. વિરપુર મંદિરના પરચાઓ દેશ-વિદેશમાં લાખો ભકતોજનોને મળેલ છે તેનું જીવંત ઉદાહરણ આ કથામાં આપશે લોહાણા સમાજ રઘુવંશી પરીવાર માટે ત્રણ દિવસ આ ભવ્ય કથા ઉત્સવનું યાદગાર સંભારણું બની રહેશે.