• રાજી હૈદરના દિલ્હી ખાતેના મકાનમાંથી વધુ રૂ. 772 કરોડનો હેરોઇનનો જથ્થો મળ્યો
  • રૂ. 280 કરોડનો ડ્રગ્સનો જથ્થો કરાંચી બંદરેથી મુસ્તફા અયુબ મિયાણાએ મોકલ્યાનો ઘટસ્ફોટ

જખૌના દરિયામાંથી ગત 26 એપ્રિલના રૂ.280 કરોડની કિંમતના 56 કિલો હેરોઇનના જથ્થા સાથે 9 પાકિસ્તાની શખ્સોને ગુજરાત એટીએસની ટીમે ઝડપી લીધા બાદ આ કેસમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. અગાઉ દિલ્હીનો નાગરિક અને અફઘાની નાગરિક ઝડપાયા બાદ હવે ડ્રગ્સ મંગાવનારા મુખ્ય સૂત્રધાર એવા રાજી હૈદરનો કબ્જો પણ એટીએસની ટુકડીએ મેળવી લીધો છે જેને ભુજની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા 14 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

જે બાદ એટીએસની ટીમે આ જ કેસમાં અફઘાની નાગરિક અબ્દુલ રાબ અબ્દુલ ખાલેક કાકડ અને નવી દિલ્હીના અવતારસિંઘ ઉર્ફે સન્ની કુલદીપસિંઘ સંધુને ઝડપી ભુજની સ્પેશયલ એન.ડી.પી.એસ. કોર્ટમાં રજૂ કરતા 12 દિવસના રિમાન્ડ મળ્યા હતા.આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થઈ જતા જેલહવાલે કરી દેવાયા છે જોકે તે સમયે ગઈઇ દ્વારા ડ્રગ્સની ડિલિવરી લેનારા રાજી હૈદર સહિત બે માણસોને ઉઠાવી પૂછપરછ કરવામાં આવી હતી.

રાજીના દિલ્હીના ઝામીયાનગર સ્થિત ઘરમાં સર્ચ કરવામાં આવતા ત્યાંથી રૂ.772 કરોડ 47.50 લાખની કિંમતનું 155 કિલો કોન્ટ્રાબોન્ડ હેરોઇન મળી આવ્યું હતું.આરોપીએ પાકિસ્તાનના કરાંચી બંદરથી 280 કરોડનું ડ્રગ્સ મંગાવ્યું અને તે બાદ તેના ઘરમાંથી પણ 772 કરોડનું ડ્રગ્સ મળતા તેના કબજાનું કુલ 1052 કરોડનું હેરોઇન એટીએસએ ઝડપી લીધું છે. દરમ્યાન અગાઉ ઝડપાયેલો આરોપી અવતારસિંઘ અગાઉ અમદાવાદ આવી ગયો હોવાનું જણાતા તપાસ કરવામાં આવતા નવો ખુલાસો થયો છે.

જેમાં અવતાર અને મહંમદ ઇમરાન અમદાવાદ આવ્યા હોવાનું અને અહીંથી ડ્રગ્સ છુપાવીને લઈ ગયા હતા.બંને શખ્સો અમદાવાદમાંથી 20 જેકેટ અને નારિયેળમાં હેરોઇન ભરીને લઈ ગયા હોવાની કબૂલાત આપી છે.જેથી એટીએસની ટુકડીએ 26 મેના રોજ ટ્રાન્ઝિટવોરંટના આધારે જખૌમાં 280 કરોડનું ડ્રગ્સ મંગાવનાર મુખ્ય આરોપી રાજી હૈદર અમાનત અલી જૈદી (રહે.મુઝફ્ફરનગર,દિલ્હી હાલે.ખોખણવિહાર એરિયા,જામીયાનગર,ન્યુ દિલ્હી) અને તેના સાગરીત મહંમદ ઇમરાન મહંમદ આમિર ફારૂકી (રહે.મુઝફ્ફરનગર,ઉત્તરપ્રદેશ)નો કબ્જો મેળવી ભુજ એનડીપીએસ કોર્ટમાં રજૂ કર્યા હતા.

એટીએસ  ગુજરાતના વિશેષ પ્રોસિક્યુટર કલ્પેશભાઈ ગોસ્વામીએ કોર્ટમાં ધારદાર દલીલો કરતા જણાવ્યું કે,આરોપીના ઘરમાંથી 772 કરોડનું ડ્રગ્સ મળ્યું છે અને તેણે 280 કરોડનું હેરોઇન મંગાવ્યું છે જેથી ગુનાહિત કાવતરું હોઈ કોણ-કોણ સામેલ છે. ઈન્ટરનેશનલ ડ્રગમાફિયાઓની સંડોવણી છે કે કેમ?, ફંડીગ કોણ પૂરું પાડતું હતું?, માલ ક્યાં – ક્યાં છુપાવ્યો હતો? તે સહિતની વિગતો જાણવા માટે બંનેના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જે કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવતા તેની એટીએસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવશે તેવું કહ્યું હતું.

કરાંચી બંદરથી રૂ.280 કરોડનું ડ્રગ્સ મુસ્તફા અયુબ મિયાણાએ મોકલાવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. રાજીના બે માણસો અવતાર અને મોહમ્મદ ઇમરાન અમદાવાદથી ડ્રગ્સ લઇ ગયા હતા. ત્યારે અમદાવાદમાં આરોપીઓ કોને કોને મળ્યા અને કોણ કોણ સંડોવાયેલું છે. તે દિશામાં કડી મેળવવા તપાસ શરૂ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.