ભારત-પાક. દરિયાઇ સરહદે પોરબંદરની ૪ બોટના અપહરણથી ખળભળાટ
પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરીટી એજન્સીએ ફરીથી પોતાના લખણ ઝળકાવ્યા છે. ગઇકાલે બંધુકના નાળચે ૨૩ માછીમારો અને ૪ બોટનું અપહરણ પાકિસ્તાન મરીન દ્વારા કરવામાં આવ્યું છે. ભારત-પાક જળ સિમામાં ઘુસી પાકિસ્તાન મરીને અનેક વખત ભારતીય માછીમારોનું અપહરણ કરવાનો સિલસીલો ચાલુ રાખ્યો છે.
વિગતો મુજબ થોડા દિવસો પહેલા પોરબંદરથી નિકળેલી ચાર બોટ ભારત-પાક જળસિમા નજીક માછીમારી કરી રહી હતી ત્યારે પાક મેરીટાઇમ સિક્યુરીટી એજન્સીએ માછીમારો અને બોટને બંધક બનાવવાનું કૃત્ય કર્યુ હતું. કુલ ૨૩ માછીમારો અને ૪ બોટનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ગયા મહિને ભારતીય તંત્રએ ડૂબી રહેલા પાકિસ્તાની કમાન્ડોને બચાવી લીધા હતા. ત્યારે આ અહેસાન ભુલી પાકિસ્તાન મરીને ભારતીય માછીમારોનું જળસિમા નજીકથી અપહરણ કર્યુ છે.
વધુ એક વખત પાકિસ્તાન મરીને લખણ ઝળકાવી ભારતીય માછીમારોના અપહરણ કરતા માછીમાર સમાજમાં તીવ્ર રોષ ભભૂકી રહ્યો છે. અપહૃત બોટ અને માછીમારોની સંખ્યા હજુ વધે તેવી શક્યતા છે.