2017માં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરોના કારણે ભાજપને સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર 23 બેઠકો મળી હતી આ વખતે 33 થી 40 બેઠકો મળે તેવું એકિઝટ પોલનું તારણ
ગુજરાત વિધાનસભાની ચુંટણીના બન્ને તબકકાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ ગઇકાલે સાંજે વિવિધ એજન્સીઓ અને ન્યુઝ ચેનલો દ્વારા એકિઝટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં તમામ વરતારામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ-કચ્છમાં પણ ભાજપની બેઠકો 10 થી 17 સુધી વધી શકે છે જો કે આખરી ચિત્ર 8મીએ સ્પષ્ટ થશે.વર્ષ 2017 માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરો સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી. સૌરાષ્ટ્રના 11 જિલ્લાની 48 બેઠકો અને કચ્છની છ બેઠકો સહિત કુલ 54 બેઠકો માંથી ભાજપ માત્ર 23 બેઠકો પર વિજેતાા બન્યું હતું. મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ બન્ને સૌરાષ્ટ્રના હોવા છતાં ભાજપનો સૌરાષ્ટ્રમાં કંગાળ દેખાવ રહ્યો હતો.
બીજી તરફ કોંગ્રેસને 30 બેઠકો મળી હતી. જયારે અન્યના ફાળે માત્ર એક જ બેઠક મળી હતી. આ વખતે માહોલ અલગ જ છે. પ્રથમ તબકકામાં સૌરાષ્ટ-કચ્છની 54 સહિત કુલ 89 બેઠકો માટે મતદાન યોજાયું હતું.2017ની સરખામણીએ આ વખતે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં મતદાનની ટકાવારી ઘટી હતી. જે સત્તાધારી પક્ષ ભાજપ માટે ફાયદા કારક નિવડે તેવા સંકેતો હાલ દેખાય રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વખતે ભાજપની બેઠકમાં 10 થી 17 બેઠકો વધારો થઇ શકે છે. એનડીટીવી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપને 33 થી 37 બેઠકો, કોંગ્રેસને 15 થી 19 અને આમ આદમી પાર્ટીને 1 થી 3 બેઠકો મળે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. જયારે એબીપીના સર્વમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપને 36 થી 40 બેઠકો, કોંગ્રેસને 8 થી 1ર બેઠકો, આમ આદમી પાર્ટીની 4 થી 6 બેઠકો અને અન્ય ઝીરોથી બે બેઠકો મળે તેવી શકયતા દર્શાવવામાં આવી છે.
મોટાભાગની ન્યુઝ ચેનલો અને એજન્સીઓ દ્વારા ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ કરવામાં આવેલા સર્વેમાં રાજયમાં સતત સાતમી વખત ભાજપની સરકાર બની રહી છે. 2017માં સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર 23 બેઠકો મળી હોવા છતાં ભાજપ પૂર્ણ બહુમત સાથે રાજયમાં છઠ્ઠી વખત સત્તારૂઢ થવા પામી હતી. આ વખતે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ભાજપને 33 થી લઇ 40 બેઠકો મળી શકે તેવો વરતારો દર્શાવવામાં આવ્યો છે. આ વખતે ભાજપ ગુજરાતમાં ર00રને રેકોર્ડ તોડી વિક્રમ જનક બેઠકો જીતી ગુજરાતમાં સાતમી વખત સત્તારૂઢ થાય તેવું અનુમાન છે.
સૌરાષ્ટ્રને ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર માનવામાં આવે છે. કારણ કે ગાંધીનગરની ગાદી સુધી પહોંચવાનો રસ્તો સૌરાષ્ટ્રમાંથી નિકળે છે. આવામાં જો સૌરાષ્ટ્રમાં આ વખતે ભાજપની સીટમાં વધારો થશે તો ભાજપને બે તિતૃયાંશથી પણ વધુ બહુમતી મળશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. સૌરાષ્ટ્રને ફતેહ કરવા માટે ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, પુરૂષોત્તમભાઇ રૂપાલા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના નેતાએ સૌરાષ્ટ્રમાં અલગ-અલગ વિધાનસભામાં જાહેરસભા, રેલી અને રોડ-શો કર્યા હતાં. બીજી તરફ કોંગ્રેસના રાહુલ ગાંધીને બાદ કરતા કોઇ મોટા નેતાઓએ સૌરાષ્ટ્ર પર ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું ન હતું. ભાજપના નેતાઓએ કરેલી મહેનતના પરિણામો મળે તેવું લાગી રહ્યું છે.