ઉદ્યોગપતિને ડરાવવા ખંડણીખોરે કારને આગ ચાપી સળગાવી નાખી: મોબાઇલ નંબર ટ્રેસ કરી ખંડણીખોરને ઝડપી લીધો: ક્રાઇમ સિરિયલ જોઇ ઝડપી ધનાઢય બનવા પ્લાન બનાવ્યાની કબુલાત
જેતપુરના કારખાનેદાર પાસે એક કરોડની ખંડણી પડાવવા અજાણ્યો શખ્સ છેલ્લા ત્રણ દિવસથી મોબાઇલમાં ધમકાવતો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે ખંડણીખોરના મોબાઇલ નંબર ટ્રેસ કરી એલ.સી.બી.સ્ટાફે બે શખ્સોને ઝડપી કરેલી પૂછપરછમાં ક્રાઇમ સિરિયલ જોઇ ઝડપી ધનાઢય બનાવ ખંડણીનો પ્લાન બનાવ્યાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના બાવાવાળાપરામાં આવેલા પટેલ ચોક પાસે રહેતા કારખાનેદાર જયેશ વશરામભાઇ ઉસદડીયા નામના ૪૧ વર્ષના પટેલ યુવાને અજાણ્યા શખ્સે તા.૩ ફેબ્રુઆરીથી તા.૬ ફેબ્રુઆરી દરમિયાન મોબાઇલમાં વાત કરી એક કરોડની ખંડણીની માગણી કરી ખૂનની ધમકી દીધાની અને પોલીસમાં ફરિયાદ નોંધાવતા ખંડણીખોરે કાર સળગાવ્યાની ફરિયાદ નોંધાવી છે.
જયેશભાઇ ઉસદડીયાને છેલ્લા ત્રણ દિવસથી ૭૩૦૯૫ ૯૫૪૧૦ નંબરના મોબાઇલમાંથી અજાણ્યો શખ્સ વાત કરી એક કરોડની ખંડણી માગતો હોવાનું અને એક કરોડ નહી ચુકવે તો ખૂન કરી નાખશે તેવી ધમકી દીધા બાદ તેની કારનું ટાયર સળગાવી નાખી ડરાવવા પ્રયાસ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
જેતપુર પોલીસે જયેશભાઇ ઉસદડીયાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ધાક ધમકી દઇ ખંડણી પડાવવા પ્રયાસ કર્યા અંગેનો ગુનો નોંધી ડીવાય.એસ.પી.જે.એમ.ભરવાડ, પી.આઇ. વી.આર.વાણીયા અને રાઇટર મેહુલભાઇ સહિતના સ્ટાફે મોબાઇલ નંબરના આધારે તપાસ હાથધરી છે.
જયેશભાઇ ઉસદડીયાને ખંડણી માટે ધમકી દેવાની ઘટનાની જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ ગંભીરતા સાથે તપાસ કરવાના આદેશ કરતા એલ.સી.બી. ઇર્ન્ચાજ પી.આઇ. ચાવડા સહિતના સ્ટાફે બે શખ્સોને મોબાઇલ લોકેશનના આધારે ઝડપી પૂછપરછ કરતા ક્રાઇમ સિરિયલ જોઇ તાત્કાલિક ધનાઢય બનવા ખંડણી પડાવવાનો પ્લાન બનાવ્યાની કબુલાત આપી છે.