જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકી પ્રવૃત્તિ કરવાની રાહમાં બેઠેલા પાંચ આતંકવાદીઓને પકડી પાડયા
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ને હટાવ્યા બાદ કાશ્મીરમાં સ્થિતિ સંપૂર્ણપણે ભારતીય સેનાના નિયંત્રણમાં છે. કાશ્મીરી નેતાઓ સિવાય સામાન્ય નાગરિકોએ કેન્દ્ર સરકારનાં આ પગલા સામે કોઈ મોટો વિરોધ વ્યકત કર્યો નથી. જેથી કાશ્મીરની સમસ્યાને સળગતી રાખવા માટે સક્રિય એવા આતંકવાદી તજજ્ઞો યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છે. આગામી પ્રજાસત્તાક પર્વ પર આતંક ફેલાવીને લોહિયાળ બનાવવાનું આયોજન કરી રહેલા પાંચ આતંકીઓને ગઈકાલે જમ્મુ-કાશ્મીર પોલીસે પકડી પાડયા છે. આ આતંકીઓની પુછપરછમાં પાક. પ્રેરિત આતંકવાદી સંગઠન જૈસ એ મોહમંદના ૨૬મી જાન્યુઆરીએ કાશ્મીર સહિત અનેક સ્થાનો પર આતંકી હુમલા કરવાના કાવતરાનો પર્દાફાશ થવા પામ્યો હતો. ઝડપાયેલા આતંકીઓની પુછપરછ દરમિયાન મળેલી વિગતોને લઈને હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન મળેલા ગેરકાનુની શસ્ત્ર સરંજામ પ્રતિબંધિત વસ્તુઓમાં ટોટા ફોડવામાં વપરાતી જીલેટીન સ્ટીક, દારૂગોળો, હથિયારો, બોમ્બ બનાવવાની સામગ્રી, બેટરી અને નાઈટ્રીક એસિડ જેવી વસ્તુઓ મળી હોવાનું કેન્દ્રીય કાશ્મીર રેન્જના ડીઆઈજી રિદ્ધિકુમારી બિરધીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો અને બોમ્બ ધડાકા કરવાની પેરવી કરતા પાંચ શખ્સોને બે તબકકામાં ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગેની માહિતી આપતા બિરધીએ જણાવ્યું હતું કે, ૧૬મી જાન્યુઆરીએ સારા વિસ્તારમાં આવેલ હબકે ક્રોસિંગ ખાતે ગ્રેનેડ હુમલામાં નાગરિકોને નજીવી ઈજાઓ થઈ હતી. પોલીસે આ ધડાકાની તપાસ કરતા બે શકમંદો જેના ડ્રાઈવર એઝાઝ અહેમદ અને કેશિયા તરીકે કામ કરતા ઉમર હમીદ કે હજરતબાલ વિસ્તારમાં રહે છે.
એમની તપાસમાં બંનેએ કબુલ્યું હતું કે, તેઓ ૨૬મી નવેમ્બર ગયા વર્ષે હજરત બાલમાં આવેલી કાશ્મીર યુનિ.નજીક થયેલા ધડાકામાં પણ સામેલ હતા. પોલીસના અન્ય દરોડાઓમાં પકડાયેલા ત્રણ શખ્સોમાં રમત-ગમતના સાધનોની દુકાન ધરાવતા ઈમ્તીયાઝ અહેમદ ચીકલા, ઈલ્યાસ ઈમરાન ખાનગી પેઢીમાં નોકરી કરતા શાહિલ ફારૂક ગોજરી અને વેપારી નસીર મીર તમામ હજરત બાલ વિસ્તારવાળાઓને પકડી લીધાનું ડીઆઈજીએ જણાવ્યું હતું. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે, આ લોકોએ બે જગ્યાએ ગ્રેનેડ ગોઠવ્યા હતા અને આતંકીઓને મદદરૂપ થતા હોવા છતાં સામાન્ય રીતે જ પોતાનો ધંધો કરતા રહેતા હતા.
આ લોકોએ કાશ્મીરની સ્વાયતોની નાબુદીના વિરોધ માટે અપાયેલ બંધનું એલાન સફળ બનાવવા દહેશત ફેલાવવા ભાગ લીધો હતો. તપાસમાં એવું પણ ખુલ્યું છે કે આ પાંચેય શખ્સો શ્રીનગરમાં ભયનો માહોલ ઉભો કરી બળજબરીથી બંધ કરાવીને શહેરનું જનજીવન ઠપ્પ કરાવી દેવા આગામી દિવસોમાં આતંકી હુમલા અને બોમ્બ ધડાકા કરવાની ફિરાકમાં હતો. શ્રીનગરમાં આગામી પ્રજાસત્તાક પર્વ નિમિતે દહેશતનું વાતાવરણ ઉભુ કરી અરાજકતા ફેલાવવાની ફિરાક કરી રહેલા અને જૈસ એ મોહમંદના સક્રિય સભ્યો હોય તેવા પાંચેયને ઝડપી લઈ પોલીસે આતંકીયોની મોટી રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ પર પાણી ઢોળી દીધુ છે.