વ્યથા સાંભળી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ‘ડેરા’ નાખવાની તત્પરતા દાખવી
ધારાસભ્ય ગીતાબા જાડેજા, ઉદ્યોગપતિ ગોવિંદભાઇ પટેલ, જયંતીભાઇ સરધારા, સહકારી આગેવાન મગનભાઇ ધોણીયા અને ભાજપ અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા
સંમેલન ધાક ધમકી કે દબાવવા માટે નહીં પરંતુ સ્વતંત્રતા અને સુરક્ષા માટે જ યોજયું છે: જયરાજસિંહ
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ગીતાબા જાડેજા વિજેતા બન્યા બાદ રીબડા ખાતે બે દિવસ પહેલાં યોજાયેલા સન્માન સમારંભના આયોજકોને રીબડા ગ્રુપ દ્વારા આપવામાં આવેલી ધમકીના પગલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રીબડા ખાતે સમેલનનું આયોજન કરી રીબડાવાસીઓની વ્યથા સાંભળી હતી. આપડે કોઇને દબાવવા માટે નહી પણ સલામતી માટે ભેગા થાય છીએ, જરૂર પડશે તો રીબડાના ચોકીદાર બનવાની જયરાજસિંહ જાડેજાએ તૈયારી બતાવી હતી.
ગોંડલ ધારાસભ્યની ટિકિટના મુદે જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ જાડેજા વચ્ચે થયેલા વાદ વિવાદના કારણે ચૂંટણી સમયે ઘર્ષણ થશે તેવી દહેશત વ્યક્ત થતી હતી પરંતુ પોલીસના ચુસ્ત બંદોબસ્તના કારણે કોઇ અનિચ્છની બનાવ બન્યો ન હતો અને સમગ્ર મામલો થાળે પડી ગયાનું જણાતુ હતુ. દરમિયાન બે દિવસ પહેલાં અમિત ખૂટ સહિતના રીબડાના ભાજપ કાર્યકરો દ્વારા રીબડામાં સન્માન સમારંભનું આયોજન કરવામાં ફરી ગરમાવો આવ્યો હતો.
રીબડામાં કેમ સન્માન સમારંભનું આયોજન કર્યુ તેમ કહી અમિત ઉર્ફે રાજેશ દામજીભાઇ ખૂટને અનિરૂધ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા, લાલભાઇ, ટીનુભા અને ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ બંદુક બતાવી હત્યાની ધમકી દેતા રીબડાના પટેલ પરિવારમાં ફફડાટ મચી ગયો હતો અને આજુબાજુના ગામના પટેલ આગેવાનો સાથે મોડીરાતે ગોંડલ જયરાજસિંહ જાડેજાના નિવાસ સ્થાને પોતાના રક્ષણ માટે દોડી ગયા હતા રાતે જ જયરાજસિંહ જાડેજા કાર્યકરોની મોટી ફોજ સાથે રીબડા દોડી ગયા હતા અને ત્યાં મહા સમેલન યોજવાની ધોષણા કરી હતી.
રીબડાના હકાભાઇ ખૂટની વાડીમાં મહાસમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમેલનમાં રીબડા અને આજુબાજુના ગામના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રીબડાની મહિલાઓ અને યુવાનએ પોતાને કંઇ રીતે હેરાન કરવામાં આવે છે તે અંગેની વ્યથા ઠાલવી હતી તેમજ કેટલાકે ખનિજ ચોરી અને રીબડામાં બેફામ ગતિ સાથે કાર ચલાવી ભયનો માહોલ બનાવવામાં આવતો હોવા સહિતના મુદે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મહાસમેલનમાં રીબડાવાસીઓની વ્યથા સાંભળ ગદગદીત થયેલા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ તમે લોકોએ ભાજપ પર ભરોસો રાખી મત આપ્યો છે. તમારા તમામની સુરક્ષાની જવાબદારી એક હજારને એક ટકા પોતાની બની રહેશે, કોઇ પણ જાતની દાદાગીરી ચલાવવામાં આવશે નહી તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે, દેશ આઝાદ થયાને 75 વર્ષ થયા છે. પરંતુ રીબડા આજની તારીખ એટલે કે તા.22-12-22ના રોજ સાચી આઝાદી મળી છે. રીબડાની સ્વતંત્રતા અને સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી પોતે રીબડાના ચોકીદાર બનવાની તૈયારી બતાવી રીબડા ખાતે રહેવા આવવાની પણ જણાવ્યું હતું.
ઉદ્યોગપતિ જયંતીભાઇ સરધારા અને સહકારી આગેવાન મગનભાઇ ધોણીયાએ પણ રીબડા જુથ્થ દ્વારા ચલાવવામાં આવતી દાદાગીરી સાખી ન લેવા માટે મહા સમેલનમાં ઉપસ્થિત ગામજનોને સીખ આપી હિમ્મત અને મકક્મતા દાખવવા પર ભાર મુકયો હતો.
રીબડામાં મહા સમેલન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના સિધ્ધા માર્ગ દર્શન હેઠળ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સુરક્ષાની જવાબદારી નિભાવીશું: ગીતાબા જાડેજા
ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે કોઈના ઉપર અત્યાચાર કરવો તે પાપ છે અને અત્યાચાર સહન કરવો તે પણ મોટું પાપ છે અમે અને અમારો પરિવાર તમારી સુરક્ષા માટે જવાબદાર છીએ અને તેની જવાબદારી સંપૂર્ણપણે નિભાવીશું જ.
98ની જેમ 2022માં પણ અમોએ ધોબી પછડાટ આપી છે: ગણેશભાઇ
યુવાનોને સંબોધતા ગણેશભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે 1998 માં અમારા પરિવારે કહેવાતા આ દબંગ પરિવારને ધોબી પછડાટ આપ્યો હતો અને હવે 2022 મા પણ પછડાટ આપવામાં કોઈ પણ જાતની પીછે હટ કરવામાં આવશે નહીં અને હવે તો રીબડા નું યુવા ધન પણ ખુલીને બહાર આવી ગયું છે કોઈપણ ની લુખ્ખાગીરી કોઈપણ કાળે ચલાવી લેવામાં આવશે નહીં.
ત્રાસથી રીબડા છોડયું: ગોવીંદ પટેલ
મૂળ રીબડાના અને હાલ રાજકોટ રહેતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ સગપરિયાએ જણાવ્યું હતું કે તેઓ 40 વર્ષ પહેલા મહિપતસિંહ જાડેજા ના પરિવારના ત્રાસથી રીબડા છોડી ચૂક્યા છે દિવસ રાત મહેનત કરી કારખાનાઓ ચલાવી રહ્યા છે તેમ છતાં પણ તેઓના શિરે 5 કરોડનું દેણું છે રીબડા ની ફરતે આવેલી ધાર આ પરિવારે ખોદીને વહેંચી નાખી છે ખેડૂતને ખેતરમાં નાખવા બે સુંડલા માટી પણ મળતી નથી
સંમેલનને હું અભયમ કાર્યક્રમ કહું છું: રાજભા જાડેજા
ગોંડલ નગરપાલિકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે આ સંમેલન ને હું અભયમ કાર્યક્રમ કહું છું કારણ કે આજથી જ અહીં અભય સામ્રાજ્યની શરૂઆત થાય છે રીબડા કે આસપાસના ગામ લોકોએ કોઈ પણ તત્વોની બીક રાખવાની જરૂર નથી