હૃદયને આરપાર સ્પર્શી જનારી અદભૂત નાટિકાની પ્રેરણાત્મક પ્રસ્તુતિ સાથે સહનશીલ બનવાનો બોધ પામ્યા હજારો ભાવિકો
આ ભવ મળ્યો છે, ભવોભવની તૈયારી માટેનો! આ ભવમાં સહનશીલ બનીને ભવિષ્યને ભવ્ય બનાવવાની તૈયારી કરી લેવાના પરમ કલ્યાણકારી બોધ સાથે ગિરનારની ધન્ય ધરા પર રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે પધારેલાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વને હજારો ભાવિકોએ ભક્તિભીના વધામણા કરીને આવકાર્યા હતાં.
ગિરનારની ભૂમિ પર નવનિર્મિત પારસધામના પ્રાંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના પાવન સાંનિધ્યે સમગ્ર ચાતુર્માસની ઉદારહૃદયા શ્રી અવંતીભાઈ કાંકરીયા પરિવારની અનુમોદનાના સહયોગે આ પર્વાધિરાજ પર્વની આરાધના કરવા પધારેલાં દેશ-વિદેશના હજારો ભાવિકો જોડાઈને પર્વના પ્રથમ દિવસે આત્મકલ્યાણનો સાર પામી ધન્ય બન્યાં હતાં.
ગિરનારની ગોદમાં વહેલી સવારના સમયે આત્મવિશુદ્ધિના પ્રયોગ સ્વરૂપ ‘ઇનર ક્લિનિંગ કોર્ષ’ અંતર્ગત વિશિષ્ટ પ્રકારની ધ્યાન સાધના દ્વારા ભાવિકોને સેલ્ફ-કમાંડથી દોષમુક્તિ કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નેમ દરબારના વિશાળ પ્રાંગણમાં હજારો ભાવિકોના હૃદય ભક્તિભાવના સાથે થયેલાં પર્વાધિરાજ પર્વના પ્રાર્થનીય ભાવોથી મંગલ વધામણા બાદ, શ્રી ઉવસ્સગ્ગહરં સ્તોત્રના ગુંજારવથી ભવ્ય જીવોને પ્રતિબોધન કરતાં પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, જૈનત્વને વાસ્તવિક્તામાં ખિલવનારા, જૈનધર્મના શ્વાસસમ સહનશીલતાના ગુણને સ્વીકારવાની જેની તૈયારી હોય છે એના જ પર્યુષણ સાર્થક બનતા હોય છે અને એની જ મોક્ષ યાત્રા આગળ વધતી હોય છે. પરમાત્મા કહે છે, દુ:ખ સાથે જેણે સગાઈ કરી એની જ મોક્ષ યાત્રા આગળ વધી છે. સહન કરવું અને સ્વીકાર ભાવ સાથે સહનશીલ બનવું તે બંનેમાં તફાવત હોય, સહન કરવામાં લાચારી હોય પરંતુ સહનશીલતામાં સ્વીકાર ભાવ હોય. જે સહનશીલ બનીને થોડુંક પણ સહન કરે છે એના અનંત કર્મો ક્ષય થઈ જતાં હોય છે.
પરમાત્મા કહે છે, જેની સહન કરવાની તૈયારી છે એના જ ધર્મની શરૂઆત થાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓને સહન કરવું તે ધર્મ છે, અનુકૂળતા હંમેશા અધર્મ કરાવે અને પ્રતિકૂળતાને સહન કરનારી ચંદનબાળાના આંગણે જ સામે ચાલીને પ્રભુ પધારતાં હોય છે.
પર્વાધિરાજ પર્વના પ્રથમ કર્તવ્ય એવા દાનધર્મને અનુસરતાં પરમ ગુરુદેવની પ્રેરણાથી હજારો ભાવિકોએ આજના દિવસે જરૂરિયાતમંદ ભાવિકો માટે નોટબૂક, પેન, પેન્સિલ આદિ અનેક પ્રકારની સ્ટેશનરીનું અનુદાન કરતા સર્વત્ર હર્ષ હર્ષ છવાયો હતો.
તા. 12/09/2023- 19/09/2023 – 8 દિવસ સુધી ચાલનારા આ મહાપર્વ અંતર્ગત પરમ ગુરુદેવના સાંનિધ્યે દરરોજ સવારના 7:15 થી 8:15 કલાક દરમિયાન ‘ઇનર ક્લિનિંગ કોર્ષ’, દરરોજ સવારે 09:00 કલાકે બોધ પ્રવચન તેમજ ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત પ્રેરણાત્મક નાટિકાઓની પ્રસ્તુતિ કરવામાં આવશે. સાંજના 04:00 થી 05:00 કલાકે બાલ પર્યુષણની સાથે 06:45 કલાકે પ્રતિક્રમણની આરાધનાના આયોજન બાદ રાત્રિના 08:00 થી 08:30 કલાકે યુથ પર્યુષણ તેમજ 08:30 કલાકે “માય સંસ્કૃતિ- માય આઈડેન્ટિટી” વિષયલક્ષી પ્રવચનમાળા યોજાશે.
ઉપરાંતમાં 16/09/2023 શનિવારના દિવસે ભગવાન મહાવીર જન્મોત્સવ, 17/09/2023 રવિવારે “વલ્ર્ડ નવકાર ડે” અંતર્ગત પાંચ કરોડ નમસ્કાર મહામંત્ર સાધના તેમજ બપોરના સમયે બાલ આલોચના વિધિ યોજાશે. પર્વના અંતિમ દિવસે તા.19/09/2023 બપોરે આલોચના વિધિ તેમજ સાંજના સમયે સંવત્સરી પ્રતિક્રમણ આરાધનાનું આયોજન થશે.