• સતત સાતમા વર્ષેમાં
  • રોજરોજના વિજેતાઓને ઇનામો સાથે ફાઇનલમાં વિજેતાઓ લાખેણા ઇનામોની વણઝાર

વિશ્ર્વભરમાં નવરાત્રીનાં નવેય દિવસ માત્ર જૈનો માટે યોજાતા એકમાત્ર નવરાત્રી મહોત્સવનો શ્રેય જૈનમ પરિવારને ફાળે જાય છે અને તેમાય સળંગ સાતમા વર્ષે યોજાવા જઈ રહેલા જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવ-ર0ર4માં આ વર્ષે દર વર્ષની માફક કોઈ નોખું કંઈક અનોખું, વિશેષથી સવિશેષ, સુપર થી પણ ઉપર એવું ઉત્કૃષ્ટ આયોજન થવા જઈ રહ્યું છે. એક લાખ વોટની હાઈફાઈ સાઉન્ડ સીસ્ટમ, વિશ્ર્વ પ્રસિધ્ધ સંગીતકાર પંકજભાઈ ભટ્ટનાં નેતૃત્વમાં એમની સાંજીદાઓની ટીમ, એકથી એક ચડીયાતા ગીતોનાં સથવારે ખેલૈયાઓને રમવા મજબુર કરી દે એવા ગાયક કલાકારો, અદ્યતન લાઈટીંગ એરેંજમેન્ટ, ત્રણ લાખ સ્કે.ફુટનું વિશાળ ગ્રાઉન્ડ, ખેલૈયાઓ માટે કારપેટીંગથી સજ્જ પ્લે ગ્રાઉન્ડનાં સથવારે આ વર્ષે જૈનમમાં પણ નવરાત્રીનું ધુમ મચવાની છે.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે અશોકભાઇએ જણાવ્યું હતું કે પારિવારીક માહોલ વચ્ચે થ્રિ લેયર સુરક્ષા વ્યવસ્થા કે જ્યાં સમાજની બહેન દિકરીઓ નિર્ભિક પણે મન મુકીને રમી શકે તેવી આગવી છાપ ધરાવતા જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે પણ ગયા વર્ષ કરતા પણ વિશેષ આયોજન થવા જઈ રહ્યું છે. 180 થી પણ વધુ કાર્યકર્તાઓની ફૌજ વિવિધ કમીટીઓ બનાવીને રાસોત્સવનાં આયોજનને આખરી ઓપ આપી ચુકી છે ત્યારે રાજકોટનો જૈન સમાજ જૈનમમાં મહોત્સવ માણવા થનગની રહ્યો છે. સિઝન પાસ મેળવવા માટે ભારે ઘસારા વચ્ચે જૈનમ દ્વારા આયોજીત આ રાસોત્સવને ખેલૈયાઓ અને દર્શકો પણ મુકીને માણશે તેમા કોઈ શંકાને સ્થાન નથી. વિશાળ ગ્રાઉન્ડમાં ફ્રી પાર્કિંગની વ્યવસ્થા સાથે થ્રિ લેયર સિક્યુરીટીની વ્યવસ્થા કરવામાં આવી છે, નાઈટ વિઝન સીસીટીવી કેમેરા, ખાનગી સિક્યુરીટી, બાઉન્સરોની વિશેષ સુરક્ષા ટુકડી તથા જૈનમનાં કમીટી મેમ્બરની બનેલી સ્પે.ટાસ્ક ફોર્સ ખેલૈયાઓને નિર્ભિક પણે રમી શકાય તેવું સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરશે.

હાઈફાઈ સાઉન્ડ સીસ્ટમ, બહેતરીન લાઈટીંગ વ્યવસ્થાથી ઝળહળતુ કારપેટથી સજ્જ ગ્રાઉન્ડ સાથે વિશ્ર્વ વિખ્યાત સંગીતકાર પંકજભાઈ ભટ્ટનાં સાંજીદાઓની ટીમ કે જે વિવિધ વાદ્ય ઉપર સંગીતની મહેફીલ માંડશે. ગાયક કલાકારો દ્વારા સંગીતનાં સથવારે પ્રાચિન-અર્વાચિન, હિન્દી-ગુજરાતી, ભાતીગણ ગીતો, હાલરડા, દુહા છંદનાં વિશેષ સમન્વય દ્વારા ખેલૈયાઓને જોમ ચડે તેવું ઉત્સાહસભર ગીત-સંગીત પ્રસ્તુત કરશે. આ વર્ષે ગાયક કલાકારોમાં દેશ- વિદેશમાં અનેક કાર્યક્રમો આપી ચુકેલા ગાયક કલાકારો સિંગર અનીલ વાંકાણી (ભાવનગર), આદેશ શાહ (મુંબઈ), ફ્યુઝન સિંગર પ્રદિપ ઠક્કર (રાજકોટ), પિન્કી પટેલ (અમદાવાદ), ફયુઝન સીંગર નમ્રતા ગોસલીયા (રાજકોટ)નાં કંઠે આ વર્ષે પણ ખેલૈયાઓ સંગીતનાં તાલે ડોલવા મજબુર બનશે.

આ ઉપરાંત યુવાનોને પસંદ પડે તેવા ઈલેક્ટ્રીક ફાઈન ડી.જે. સથવારે યુવાધન ઝુમી ઉઠશે. દેશ ભક્તિ સભર ગીતોનાં સથવારે વાતાવરણ દેશભક્તિમય બનાવતા ખેલૈયાઓ તિરંગા સાથે ઝુમી ઉઠશે.

નવરાત્રીનાં નવેય દિવસ વિવિધતા મળે તે માટે ખેલૈયાઓમા કલર થીમ કે જેમા ખેલૈયાઓ રોજેરોજ વિવિધ કલરનાં વસ્ત્રો પહેરીને માહોલને રંગીન બનાવશે. આ ઉપરાંત ગ્રુપ ડ્રેસ કોડ, કેડીયા થીમ, દાંડીયા થીમ, કુર્તા થીમ, દુપટ્ટા થીમ, સાફા-પાઘડી-ચુડી-બીંદી જેવી વિવિધ થીમો, નિયોન થીમ, તિરંગા થીમ, દેશભક્તિ રજુ કરતા પોષાકવાળી થીમ, ગામઠી થીમ, ટોપી, સન ગ્લાસીસ, હેર સ્ટાઇલ, કેન્ડલ, ટોર્ચ, બલુન જેવી થીમ, રીટ્રો લુક જેવી અવનવી થીમ વચ્ચે રોજેરોજ નવીનતા અને વિવિધતાનો અનુભવ આ નવરાત્રી દરમ્યાન કરાવવામાં આવશે. નવેય દિવસનાં ડેઈલીનાં પ્લેયરમાં સીનીયર અને જુનીયર કેટેગરીમાં બેસ્ટ પ્રીન્સ-પ્રીન્સેસ તેમજ વેલડ્રેસ પ્રીન્સેસનાં વિજેતા ખેલૈયાઓને અવનવા ઈનામોથી નવાઝવામાં આવશે. નવેય દિવસનાં વિજેતાઓને ખેલૈયાઓ વચ્ચે દશેરાનાં દિવસે ફાઈનલ રાઉન્ડ રમાડવામાં આવશે. જેમાં વિજેતા થનાર સ્પર્ધકોને બાઈક, સ્કુટર, સોનાનાં દાગીના, સાઇકલ, ટીવી, ફ્રીજ, વોશીંગ મશીન, એસી, જ્યુસર, મીક્ષર, ઓવન સહીતનાં લાખેણા ઈનામોની વણજારથી પ્રોત્સાહીત કરવામાં આવશે.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે અશોકભાઇ વોરા, શૈલેષભાઇ માઉ, રજતભાઇ સંઘવી, ઉદયભાઇ ગાંધી, વંદીતભાઇ દામાણી ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.