નવરાત્રીમાં મળેલા રોકડ પ્રોત્સાહનમાં અનેક ગણી રકમ ઉમેરીને કચ્છની ગાયો માટે ઘાસચારો ખરીધો
૨૨૦૦ ગાયોને ૬ ટ્રક ઘાસચારાનું વિતરણ
રાજકોટની ભાગોળે ન્યારા નજીક કચ્છના માલધારીઓએ ૨૨૦૦થી વધુ ગાયો સાથે ન્યારા નજીક પડાવ નાખ્યો છે. હાલ કચ્છમાં અછતની સ્થિતિ હોવાથી આ માલધારીઓ ઘણી બધી અપેક્ષાઓ સાથે રાજકોટના ન્યારા ખાતે આશરા માટે આવ્યા છે. ત્યારે રવિવારે રાજકોટ જૈનમ ગ્રુપ દ્વારા ભુખથી ભાંભરડા નાંખતી કચ્છની ૨૨૦૦ જેટલી ગાયોની જઠાંગ્નિ ઠારી હતી અને લગભગ ૬ ટ્રક જેટલુ ઘાસચારાનું અનુદાન કર્યું હતુ.
નવરાત્રી મળેલા રોકડ પ્રોત્સાહનમાં છ ગણી રકમ ઉમેરીને કચ્છની ૨૨૦૦ જેટલી લાચાર ગાયો માટે ઘાસચારો ખરીદીને જૈનમ ગ્રુપ માત્ર નવરાત્રી જ નહી પરંતુ બીજા અનેક સેવાકાર્યમાં અગ્રેસર છે. તે સાબિત કર્યું છે. ન્યારા નજીક કચ્છથી આવેલા હિજરતીઓએ ૨૨૦૦થી વધુ ગોમાતા સાથે પડાવ નાખ્યો છે. કચ્છમાં વરસાદના અભાવે સંકટ ઘેરૂ બનતા માલધારીઓ પોતાના પશુધન સાથે ત્યાંથી હિજરત કરી હતી. અને તેઓએ રાજકોટના ન્યારા નજીક પડાવ નાંખ્યો છે. આ ગાયો ઘાસચારાના અભાવે કણસી રહી છે. જોકે અનેક સામાજીક સંસ્થાઓ અને સેવાભાવી વ્યકિતઓ દ્વારા પોતાની યથાશકિત મુજબ ઘાસચારો આપતા રહે છે. પરંતુ ગાયોની સંખ્યા વધુ હોય ઘાસચારો પૂરતો થતો નથી. આવા સમયે રવિવારે જૈનમ ગ્રુપ દ્વારા આ ગાયોની વ્હારે આવી ૬ ટ્રક ઘાસચારાનું વિતરણ કર્યું હતુ.
જૈનમ ગ્રુપના એક સભ્યએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, વહેલી સવારે અમારા જૈનમ ગ્રુપ દ્વારા કચ્છની ૨૨૦૦ જેટલી ગાયોને ઘાસચારો અને ૬૦ કિલો લાડૂનું વિતરણ કરાયું હતુ જૈનમ ગ્રુપના ફાયનાન્યલ સપોર્ટથી આવું સેવા કાર્ય અમો કરી રહ્યા છીએ. અને આગામી દિવસોમાં સમયાંતરે કચ્છની આ ગાયોને ઘાસચારો આપતા રહેવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.