સાત ભાષા પર પ્રભુત્વ ધરાવનાર જૈનાચાર્યએ વિવિધ ધર્મોના ધર્મગ્રંથોનો વિશદ્ અભ્યાસ કર્યો છે
પાર્શ્વનાથ-પદ્માવતી સમારાધક, લબ્ધિ-વિક્ર્મ ગુરુકૃપા પ્રાપ્ત, અનેક પ્રાચીન તીર્થોધ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર જૈનાચાર્ય પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના ૭૫મા જન્મ વર્ષની ‘અહિંસા અમૃત વર્ષ’ તરીકે સમસ્ત જૈન સમાજ દ્વારા ભારતભરમાં ભવ્ય ઉજવણી થઈ હતી. જીવન નિર્માણનાં સંસ્કારી મૂલ્યો નવી પેઢી સુધી પહોંચે તેમજ અહિંસા, ભૃણ હત્યા વિરોધ, શાકાહાર, પશુબલિ નિવારણનાં પ્રચાર-પ્રસાર માટે વિવિધ પ્રેરક કાર્યક્ર્મોનું આયોજન કરાયું હતું.
મુંબઈ સ્થિત શ્રી ઠાણે જૈન સંઘ ખાતે હાલ બિરાજમાન જૈનાચાર્ય પૂ. રાજયશસૂરીશ્વરજી મ.સા.એ સમસ્ત વિશ્વમાંથી કોરોના મહાવ્યાધિનો શીઘ્ર અંત આવે તેવી પોતાના ૭૫મા જન્મદિને (ચૈત્ર વદ દસમ) ભાવભરી પ્રાર્થના કરી છે. દરેક વ્યકિતમાં અર્થાત દરેક આત્મામાં પરમાત્મ તત્વ છે. જગતમાં સર્વે જીવો ક્ષમાપાત્ર છે, ‘મિચ્છામી દુક્ક્ડમ જેવો કોઈ મહામંત્ર નથી તેવો પ્રેરક સંદેશ આપ્યો છે. સહુકોઈ સુરક્ષિત સ્વસ્થ રહે તે માટે પોતપોતાનાં ઘેર જ આરાધના તપ જાપ કરે તેવી પણ પ્રેરણા આપી છે.
૦૭ મે ૧૯૪૫માં સાક્ષરભૂમિ નડીયાદમાં રમેશકુમાર જીનદાસભાઈ શાહ તરીકે જન્મેલા જૈનાચાર્ય પૂ. રાજયશસૂરીશ્વરજી મ.સા.નું મૂળ વતન ખેડા જિલ્લાનું ચૂણેલ ગામ. ૧૯૬૪માં માત્ર ૧૯ વર્ષની તરૂણ વયે ગુરુદેવ જૈનાચાર્ય પૂ. વિક્ર્મસૂરીશ્ર્વરજી મ.સા. પાસેથી દીક્ષા ગ્રહણ કરીને સંયમ જીવનનાં ૫૬ વર્ષમાં જૈન ધર્મના અગ્રગણ્ય આચાર્યોમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ધર્મ અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર અર્થે દેશનાં ૧૪ જેટલાં રાજ્યોમાં અનેક મહાનગર-શહેર-નગર-ગામડાંને સાંકળીને સવા લાખ કિ.મી.થી વધુ પદયાત્રા દ્વારા ઉગ્ર વિહાર કર્યો છે. સાત ભાષા પર પ્રભુત્વ ધરાવનાર સાહિત્ય-અભ્યાસુ જૈનાચાર્ય પૂ. રાજયશસૂરીશ્વરજી મ.સા.એ વિવિધ ધર્મોનાં ધર્મગ્રંથોનો વિશદ્ અભ્યાસ કર્યો છે. ૧૧ ભાષામાં ૧૫૦ જેટલાં ગ્રંથોનું પોતે લેખન-સંપાદન કર્યું છે. ૧૧૫ જૈન દેરાસરોની પ્રતિષ્ઠા તેમજ ૨૩ પ્રાચીન-નવ્ય જૈન તીર્થનો જીર્ણોધ્ધાર-પ્રતિષ્ઠા કરી છે. પોતાની જન્મભૂમિ નડિયાદ સ્થિત ૧૧૯ વર્ષ જૂના ડાહીલક્ષ્મી પુસ્તકાલયના અતિ પ્રાચીન-દુર્લભ હસ્તપ્રત ભંડારનો જીર્ણોધ્ધાર કરાવીને ૩૦૮૦ હસ્તપ્રતોનું શાસ્ત્રીય સૂચિનું ભગીરથ સંપાદન કાર્ય ૨૦૧૮માં માત્ર છ મહિનામાં જ પૂર્ણ કરાવીને સાહિત્ય જગતને અમૂલ્ય ભેટ ધરી હતી. સંસ્કારમૂલક જીવન નિર્માણ પ્રવચન શ્રેણી અંતર્ગત વિવિધ શાળા-કોલેજ-સંસ્થા-સંઘના લાખો બાળકો-તરૂણો-યુવાનો માટે પથદર્શક બન્યા છે.