જૈનોના પૂ.સાધુ – સાધ્વીજીઓ “ઠાણા ઓઠાણં ” એક સ્થાનકેથી અન્ય સ્થાને વિહાર કરશે
તીથઁકર પરમાત્માની આજ્ઞા અનુસાર જીવદયાના લક્ષે જૈનોના પૂ.સાધુ – સાધ્વીજીઓ ચાર મહિના અષાઢ સુદ પૂનમથી કારતક સુદ પૂનમ સુધી એક જ સ્થાનકે સ્થિરતા કરી સ્વયંની સાધના કરતાં હોય છે અને હળુ કર્મી આત્માઓને પણ આત્મ સાધનામાં જોડતાં હોય છે.કારતક વદ એકમ આવે એટલે પ્રભુની આજ્ઞા મુજબ સેવંણચ્ચા તઓ સંયામેવ ગામાણુગામં દુઈજેજા અથોત્ જીવોની ઉત્પતિ ઓછી થઈ ગઇ હોય એટલે સાધુ ગ્રામાનુગ્રામ વિચરણ કરે.( આચારાંગ સૂત્ર અ.૩).ભિક્ષા અને પાદ વિહાર એ બે એવા જ્ઞાનના સાધનો છે કે જે જ્ઞાન ભૂગોળ કે માનસ શાસ્ત્ર પણ ન આપી શકે.
મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે જૈન શાસ્ત્રોમાં સાધુ માટે નવ કલ્પી તથા સાધ્વીજીઓ માટે પાંચ કલ્પનો ઉલ્લેખ આવે છે.
વષોકાળ સિવાય સાધુ – મુનિરાજો એક જ સ્થાનકે ૨૯ દિવસ અને સાધ્વીજીઓ ૫૯ દિવસ શેષ કાળ રહી શકે છે.
જેવી રીતે સરકારી ખાતાઓમાં અમુક પોસ્ટ એવી હોય છે જેમ કે કલેક્ટર, કમિશનર, ન્યાયધીશ વગેરેને સરકાર લાંબા સમય સુધી એક જ સ્થાન પર રહેવા દેતાં નથી પરંતુ તેઓની અન્ય સ્થાને બદલી થતી રહેતી હોય છે ,તેવી જ રીતે અનંતજ્ઞાની ભગવંતોએ પણ અપાર કરૂણા કરી કલ્પ અનુસાર જીવન જીવવાની આજ્ઞા ફરમાવેલ છે કે સાધુ – સંતો પણ રાગભાવ કે મોહપાશમાં ફસાઈ નહીં.એક જ સ્થાનકે ચાર માસથી વધારે ગાઢાગાઢ કારણ સિવાય સ્થિરતા કરવાથી ભાવિકોના ભક્તિ ભાવમાં પણ કયારેક ઓટ આવી જાય છે.
સાધુ – સંતો પણ પ્રભુની આજ્ઞાનું ઊલ્લંઘન કરી ખાન – પાનમાં આસકત બની જાય તો તેઓના આત્મા માટે પણ નુકસાનકારક છે.આ માટે કંડરીકમુનિ અને શૈલેક રાજેર્ષી મુનિનાં દ્રષ્ટાંતો ગ્રંથોમાં સુપ્રચલિત છે.
જૈન આગમોમાં સાધકો માટે ઠેર – ઠેર વાંચવા મળે કે સંજમેણં તવસ્સા અપ્પાણં ભાવમાણે વિહરઈ અથોત્ સંસારનો ત્યાગ કરી પ્રવજ્યા અંગીકાર કરી સાધક સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરી વિચરતો હોય.
પરમાત્મા કહે છે મુનિના સત્તાવીશ ગુણોથી સમૃદ્ધ, ત્રિગુપ્તિ ગુપ્ત,ત્રિદંડ નિવૃત,પ્રતિબંધમુકત તથા પક્ષીની જેમ મોહ રહિત થઈ ને પૃથ્વી પર વિચરણ કરે.
પરમાત્મા કહે છે…જેમ પંખી ચારો ચણવાનું કામ પુરુ થઈ જાય એટલે બીજું કશું જ સાથે લીધા વિના માત્ર પોતાની પાંખો સાથે લઈને ઊડી જાય છે તેમ નિગ્રંથ સંતો પણ માત્ર પોતાના ઉપકરણો – ઉપધિ એટલે કે મુહપતિ,રજોહરણ,પાત્રા વગેરે સાથે લઈને ભારંડ પક્ષીની માફક અપ્રમત્તપણે વિચરણ કરે છે.