આયંબિલ તપમાં માત્ર એક જ વખત એક જ જગ્યાએ બેસીને વિગય રહિત એટલે કે તેલ,ઘી,દુધ,દહીં, ગોળ,સબરસ અને સાકર વગરનો રસ અને સ્વાદ રહિતનો આહાર કરવાનો હોય છે તથા અચેત પાણીનો ઉપયોગ કરવાનો હોય છે.
જૈનાગમ શ્રી ઉવવાઈ સૂત્ર વિભાગ 1 પદ 21 માં વર્ધમાન આયંબિલ તપનો ઉલ્લેખ આવે છે. શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી અનેક નિગ્રઁથ ભગવંતો…વર્ધમાન આયંબિલ તપની આરાધના કરતાં હતાં.
આયંબિલ તપનું મોટુ મહત્વ રહેલું છે: ઓળીની ચૈત્રસુદ-15ના દિવસે પૂર્ણાહુતી
આધ્યાત્મિક દ્રષ્ટિએ તો તપ શ્રેષ્ઠ છે પરંતુ આયુર્વેદીક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આયંબિલ તપને આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.તેલ – ઘી રહિતનો આહાર વાપરવાથી લીવરને રાહત મળે છે,શરીર અને મન બંને પ્રસન્ન રહે છે,જે સાધનામાં સહાયક બને છે.આ પર્વ વષેમાં બે વાર ચૈત્ર તથા આસો માસમાં આવે છે.ઋતુઓની સંધિકાળના આ બે માસ હોવાના કારણે વાત્ત,પિત્ત અને કફનો પ્રકોપ શરીરને અસ્વસ્થ કરે છે,તેથી આ દિવસોમાં તપ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે તેથી જ તમામ દર્દનું ઔષધ તપને ગણવામાં આવે છે.
મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે સ્થાનકવાસી તિથિ પંચાંગ પ્રમાણે જૈનોની ચૈત્ર માસની આયંબિલ ઓળી પ્રારંભ ચૈત્ર સુદ સાતમ,28માર્ચને મંગળવારના રોજ થાય છે. ચૈત્ર સુદ પૂનમ, આયંબિલ ઓળીની પૂણોહૂતિ થાય છે.
ધર્મની દ્રષ્ટિએ તપ એ નિર્જરા માટેનું ઉત્તમોત્તમ સાધન છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુ મહાવીરે કહ્યું કે ” ભવકોડિસંચિયં કમ્મં ,તવસા નિજ્જરિજ્જઈ ” અથોત્ ક્રોડો ભવોના બાંધેલા કર્મો તપ કરવાથી નિર્જરી અને ખરી જાય છે.(અ.30 ગા.6)
આયંબિલ ઓળીમાં નવ દિવસ સુધી નમો અરિહંતાણ પદથી લઇ નમો લોએ સવ્વસાહૂણં સાથે સમ્યક્ દર્શન,જ્ઞાન,ચારિત્ર અને તપ સહિત નવ પદની આરાધના કરવાની હોય છે.ગ્રંથોમાં આ તપનો મહીમા વર્ણવતાં અનેક પ્રેરક દ્રષ્ટાંતો આવે છે,જેમાં શ્રીપાલ અને મયણાનું દ્રષ્ટાંત સુપ્રચલિત છે.
આયંબિલ તપ કરવાથી શ્રીપાલની કાયા કંચનવર્ણી બની જાય છે,તેમાં શ્રદ્ધા સાથે વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે.ખોરાકમાં સબરસનું પ્રમાણ ઘટવાથી ચામડીના રોગ મટી શકે છે.તામલી તાપસ અને સુંદરીએ પણ દીર્ઘ કાળ સુધી આ તપની આરાધના કરેલી.આયંબિલ તપની તાકાત એટલી જબરદસ્ત છે કે તપના પ્રભાવથી ભરત ચક્રવર્તીના સુંદરી પ્રત્યેના દુષ્ટ ભાવોમાં પરિવર્તન આવી ગયેલ.આયંબિલ તપના પ્રભાવથી દ્રિપાયન ઋષિ દ્રારકા નગરીને નુકશાન કરી શકેલ નહીં.
કહેવાય છે તપથી લોહી શુદ્ધ થાય છે,લાલ રક્ત કણો વધે છે,ચામડી તેજસ્વી બને છે.
સળંગ નવ દિવસ આયંબિલ થઇ શકતી હોય તો તે શ્રેષ્ઠ છે,પરંતુ કોઇ કારણોસર શક્ય ન હોય તો છૂટક – છૂટક પણ આયંબિલ કરી શકાય છે જેનાથી જીવાત્મામાં તપના સંસ્કાર આવે છે.અમુક આત્માઓ નવ દિવસ મૌન સાથે પણ આયંબિલ તપની આરાધના કરતાં હોય છે.
સંકલન: મનોજ ડેલીવાળા